સુરક્ષા એજન્સીઓને ઈ-મેઈલ મારફત ધમકીભર્યો સંદેશ મળ્યો હતો જેમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સહિત

અમરેલી શહેરની મધ્યમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેના જ પરિસરમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની વિગતો મુજબ, સુરક્ષા એજન્સીઓને ઈ-મેલ મારફતે એક ધમકીભર્યો સંદેશ મળ્યો હતો, જેમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી. આ માહિતી મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. સુરક્ષાના કારણોસર તકેદારીના પગલાં રૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું હતું અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.જેવો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો કે તરત જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેની સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો પણ કાર્યરત થઈ ગઈ હતી. કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને ત્યાં હાજર અરજદારોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે ધૈર્યપૂર્વક પરિસ્થિતિ સંભાળીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બોમ્બ સ્ક્વોડ દ્વારા ઓફિસના દરેક ખૂણા, કબાટો, પાર્સલ રૂમ અને પા‹કગ એરિયામાં અત્યાધુનિક ઉપકરણોની મદદથી તપાસ કરવામાં આવી હતી. કોઈ પણ બિનવારસી વસ્તુ કે શંકાસ્પદ પેકેટ ન મળી આવે તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. આ દરમિયાન ફાયર ફાઈટરોને પણ સજ્જ રાખવામાં આવ્યા હતા જેથી કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળી શકાય.

અફવાઓ પર ધ્યાન ન આપવા પોલીસની અપીલ
આ ગંભીર મામલે અમરેલી પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડન્ટ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, તેમની વડી કચેરી તરફથી પાસપોર્ટ કેન્દ્રને ઉડાવી દેવાની ધમકી અંગેની સૂચના મળી હતી. આ સૂચનાના આધારે પ્રોટોકોલ મુજબ તાત્કાલિક ઓફિસ ખાલી કરાવીને પોલીસને જાણ કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી તપાસના અંતે કોઈ પણ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો ન હતો, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ પરિસરને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ તંત્રએ નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. હાલમાં આ ફેક ઈ-મેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં સાયબર ક્રાઈમ વિભાગે તપાસ તેજ કરી છે.