અમરેલીમાં શિક્ષણ જગતને લાંછન લગાવતો એક કિસ્સો બન્યો છે. આ અત્યંત શરમજનક ધૃણાસ્પદ કિસ્સામાં સંસ્થાના નિયામકે કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરવાની ઘટના બની છે. જાણવા મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન નિયામકે સતાના જોરે ૧૦ થી ૧૨ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી હોવાની ઘટના બની છે. સમગ્ર બાબતની જાણ થતા જ એબીવીપીના કાર્યકરો સંસ્થામાં પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. જોકે વિદ્યાર્થીનીઓના વાલીઓએ કોઈ અગમ્ય કારણોસર પોલીસ ફરિયાદ ન નોંધાવતા સમગ્ર પ્રકરણ પર હાલ પૂરતો પડદો પડી ગયો છે. દિવસ દરમિયાન આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. સંસ્થાએ પણ સમગ્ર ઘટનાની તપાસ કરવાને બદલે નિયામકને બીજું કારણ આપી તાત્કાલિક પદ પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે.








































