અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયાની સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો. આ હુમલામાં મજૂરને કમરના ભાગે ઈજાઓ થતાં તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના વતની કેરમ છીડાભાઈ નાયક વાડીમાં પાણી વાળી રહ્યા હતા. તે સમયે અચાનક પાછળથી આવેલા સિંહે તેમના પર હુમલો કર્યો હતો. કેરમભાઈએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહે તેમને કમરના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા.આ દરમિયાન અન્ય મજૂરોએ કેરમભાઈની ચીસો સાંભળીને હાકલા-પડકારા કરતા સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક ખેડૂતો અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.