અમરેલી તાલુકાના વડેરા ગામમાં મોડી રાત્રે ભાવેશભાઈ ભરવાડના પશુઓના વાડામાં એક વન્યપ્રાણીએ હુમલો કર્યો હતો, જેના કારણે ૧૦ ઘેટાંના મોત થયા છે. આશરે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ થયેલા આ હુમલામાં બે ઘેટાંનું મારણ થયું, જ્યારે બાકીના આઠ ઘેટાં ભય અને ગભરાટને કારણે મૃત્યુ પામ્યા હતા. પશુપાલક પરિવારને અંદાજે રૂ.૧ લાખનું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગને આ હુમલો દીપડાએ કર્યો હોવાની આશંકા છે અને તેના સગડના આધારે તપાસ ચાલી રહી છે.









































