અમરેલી જિલ્લાના રેલવે સંબંધિત વિવિધ પ્રશ્નોને લઈને મિશન બ્રોડગેજ સમિતિ અને જિલ્લા વિકાસ સમિતિએ સંયુક્ત રીતે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાને પત્ર લખ્યો છે. આ પત્રમાં જિલ્લામાં ચાલી રહેલી બ્રોડગેજની ધીમી કામગીરીને ઝડપી બનાવવા, મીટર ગેજ બંધ રહે ત્યાં સુધી સોમનાથ જવા માટે એસટી બસની વ્યવસ્થા કરવા અને અમદાવાદ તેમજ સુરત માટે નવી ટ્રેનો શરૂ કરવા જેવી માંગણીઓ કરવામાં આવી છે. સમિતિએ ખાસ કરીને અમરેલીથી અમદાવાદ માટે સવારે ઉપડતી અને રાત્રે પરત ફરતી ટ્રેન શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જે વેપારીઓ અને સરકારી કર્મચારીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત, જેતલસર-ઢસા બ્રોડગેજ લાઈન પર વાયા ચિત્તલ સુરત માટે દૈનિક ટ્રેન અને સોમનાથથી હરિદ્વાર માટે વાયા ચિત્તલ ટ્રેન શરૂ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. ભાવનગર-ઓખા ટ્રેનને તેના જૂના રૂટ વાયા ઢસા, કુંકાવાવ ચલાવવા અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, જેનાથી સમય અને ટિકિટ બંનેમાં ફાયદો થશે. સમિતિએ આ તમામ પ્રશ્નો પર યોગ્ય કાર્યવાહી કરવા સાંસદને વિનંતી કરી છે.