અમરેલીમાં કન્સ્ટ્રક્શનના કામ માટે લોખંડના સળિયા મંગાવવા ગયેલા એક આસામી સાથે રૂ.૧૫ લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી હતી. લોખંડના સળિયા ન મોકલાવી કે રકમ પરત ન આપી વિશ્વાસઘાત કરવા બદલ અમદાવાદ વેપારી વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અમરેલીમાં રહી બાંધકામનો ધંધો કરતા મયંકભાઇ જયંતીભાઇ માંગરોળીયા (ઉ.વ.૩૬)એ અમદાવાદના હિરેનભાઇ સખરેલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે પોતાના કન્સ્ટ્રક્શનના કામ માટે આરોપી પાસેથી આશરે ૨૬ ટન લોખંડના સળિયાનો ઓર્ડર આપ્યો હતો. આ સોદાના એડવાન્સ પેમેન્ટ પેટે તેમણે આરોપીની ‘બાલાજી એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીના ખાતામાં કુલ રૂ.૧૫,૧૩,૦૯૨ આર.ટી.જી.એસ. દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. રકમ ચૂકવી દીધા બાદ પણ આરોપીએ લોખંડના સળિયા મોકલાવ્યા નહોતા. જ્યારે તેમણે પોતાની રકમ પરત માંગી, ત્યારે આરોપીએ પૈસા પાછા આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી.સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.










































