અમરેલી જિલ્લાના મોણપુર ગામે નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ એક પરિણીતાએ ઝેરી પાવડર પી લેતા ચકચાર મચી ગઈ હતી. બહારગામ મજૂરી કરવા જવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું પરિણામ આત્મહત્યાના પ્રયાસમાં આવતા પરિણીતાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સુરજભાઇ રમેશભાઇ સોંદરવા (ઉ.વ.૨૫) એ જાહેર કર્યા મુજબ, તેમને મજૂરી કામ અર્થે બહારગામ જવાનું હતું. તેમની પત્ની આરતીબેન પણ સાથે આવવા માંગતા હતા, પરંતુ પતિએ તેમને બહાર આવવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મનમાં લાગી આવતા આરતીબેને ઘરમાં રહેલો D.D.T.નો ઝેરી પાવડર ગટગટાવી લીધો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.