અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામમાં કાર્યરત એક ફર્ટિલાઈઝર ફેક્ટરીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો પર્દાફાશ થયો હતો. હલકી ગુણવત્તાનું ખાતર ઊંચી કિંમતે વેચવાના ઈરાદે રાખવામાં આવેલો મોટો જથ્થો તંત્રએ ઝડપી પાડ્યો હતો. અમરેલીમાં રહેતા ફર્ટિલાઈઝર ઈન્સ્પેક્ટર પીનલકુમાર ઘનશ્યામભાઇ ખુંટ (ઉ.વ.૩૧) એ મૂળ લાલાવદરના અને હાલ સુરત રહેતા ભરતભાઈ ચીમનભાઈ ધાનાણી સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, મોટા આંકડીયા ગામમાં પીપળલગ રોડ પર આવેલી ‘ગુજરાત સરદાર ફર્ટિલાઈઝર કોર્પોરેશન’ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાં એમોનિયમ સલ્ફેટ ખાતરનો મોટો સ્ટોક મળી આવ્યો હતો. આરોપી દ્વારા એમોનિયમ સલ્ફેટ ખાતર ખૂબ જ હલકી ગુણવત્તાનું હોવાનું જાણવા છતાં તેનું ઉત્પાદન અથવા આયાત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી ૫૦ કિલો વજનની ૪૮૭ નંગ બેગ મળી હતી. એક બેગની અંદાજિત કિંમત રૂ.૯૫૦ લેખે કુલ રૂ.૪,૬૨,૬૫૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.









































