ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા અમરેલી તાલુકાના ચાંપાથળ મુકામે જિલ્લાની અંદર પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોને ઘન જીવામૃત, આચ્છાદન, દશપર્ણી અર્ક સહિત પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, માર્કેટ જોડાણ વિષયક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેડૂતો જાતે જ પ્રાકૃતિક કૃષિ માટે આવશ્યક ઘન જીવામૃત બનાવી શકે તે માટે લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો હવે પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક
કૃષિ એ બદલાતા સમયની માંગ છે. રસાયણમુક્ત ખેતી થકી જમીનની ફળદ્રુપતા પાછી મેળવી શકાય છે સાથે માનવીય આરોગ્ય પરનો ખતરો ઘટાડી શકાય છે.