જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા અમરેલીના ખીજડીયા કોટડા ગામના એટ્રોસીટીના કેસમાં સરપંચ અને તેમના પુત્રનો નિર્દોષ છુટકારો થયો છે.
આ કેસમાં સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની દલીલોને ધ્યાને લઈ અમરેલીના એડી. સેશન્સ જજ ડી.એસ. શ્રીવાસ્તવે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ બનાવ તા. ૨૬-૧૦-૨૦૧૯ ના રોજ સવારના ૭ વાગ્યા આસપાસ બન્યો હતો. ફરીયાદી ખીજડીયા કોટડામાં રહે છે. તેઓ અમરેલીની સીવીલ હોસ્પીટલમાં દાખલ હતા ત્યારે ફરીયાદ આપેલી કે, તેઓ બનાવના દિવસે સવારે ૭ વાગ્યે તેમની માતા હંસાબેન સાથે તેમના ભાઈ હરેશ ઉર્ફે જીજ્ઞેશને આગલે દિવસે રાત્રે ૧૦ વાગ્યા આસપાસ ગામના સરપંચ ગોરધનભાઈ વિસાવળીયા, તેમના દીકરા વિપુલ, અજયભાઈ તથા અશોકભાઈ શંભુભાઈ પટેલ સાથે રાત્રીના ઝઘડો કરીને જતો રહેલ હોય તે બાબતે મા-દિકરી સરપંચની ઘરે જઈ તેમના ભાઈને શા માટે માર મારેલ છે તે બાબતે ઠપકો આપેલો. ગોરધનભાઈ તથા તેમનો દિકરો ઘરે હાજર હોય તે બાબતે તેમની સાથે માથાકુટ થતા ગોરધનભાઈ તથા તેમના દિકરાએ મારકુટ કરી હતી. ફરીયાદીને જ્ઞાતિ વિશે અપમાનજનક ભાષામાં બિભત્સ ગાળો બોલી અને હડધુત કરીને પડખામાં તથા પેટ ઉપર મારતા અસહ્ય દુખાવો થતા તેમને સીવીલ હોસ્પીટલમાં દાખલ થવુ પડેલ હતું. ત્યારબાદ પોલીસે આ બાબતે સરપંચ ગોરધનભાઈ વિસાવળીયા તથા વિપુલભાઈ સામે ગુન્હો નોંધીને તપાસ કરી હતી. તપાસના અંતે આરોપીઓ સામે એટ્રોસીટી એક્ટ તથા આઈ.પી.સી.ની કલમ મુજબ ચાર્જશીટ કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે ઘણા સાક્ષીઓ તપાસવામાં આવેલ હતા, જેમાં પોલીસ અધિકારી તથા સારવાર આપનાર ડોકટર તથા તપાસ કરનાર અધિકારીને બચાવ પક્ષે ફરીયાદીનો કેસ સાબિત કરવા માટે તપાસવામાં આવેલ હતા.
બચાવ પક્ષે પણ સાક્ષીઓ તપાસવામાં આવેલ હતા. પરંતુ આ અંગેનો કેસ સાબીત કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ હતો. એડવોકેટ ઉદયન ત્રિવેદીએ આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા. અંતે આરોપીઓને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.