અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં આશરે ૨૫ વર્ષ પહેલાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો એસ.ટી. ડેપો આજે પણ ઉદ્‌ઘાટનની રાહ જોઈ રહ્યો છે. ખાંભા તાલુકાના ૫૭ ગામના લોકો આ બંધ પડેલા બસ સ્ટેશનને કારણે કાયમી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કારણ કે તમામ બસ જુના અને નાના બસ સ્ટેન્ડ પરથી કાર્યરત છે. બે-બે ધારાસભ્યો હોવા છતાં, ખાંભાનું આ એસ.ટી. બસ સ્ટેશન જાણે વિકાસની રાહ જોઈ રહ્યું હોય તેમ ૨૫ વર્ષથી ખંડેર હાલતમાં પડ્‌યું છે. અહીં ક્યારેક જ બસ આવે છે અને મુસાફરોની અવરજવર પણ નહિવત્ છે. અગાઉ ગ્રામજનો દ્વારા ડેપો ચાલુ કરવા માટે રજૂઆતો અને આંદોલનો પણ કરવામાં આવ્યા હતા, તેમ છતાં ખાંભાનો એસ.ટી. ડેપો શરૂ કરાયો નથી. એક તરફ ગુજરાતમાં ઠેર ઠેર વિકાસ કાર્યો, લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે ખાંભાનું આ એસ.ટી. બસ સ્ટેશન આજે પણ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. દોઢ કરોડના ખર્ચે બનેલો આ ડેપો આજે ધૂળ ખાઈ રહ્યો છે અને બસ સ્ટેશન તેમજ વર્કશોપ ખંડેર બની ગયા છે. જો વહેલી તકે આ એસ.ટી. ડેપોનું રીનોવેશન કે સમારકામ કરીને તેને શરૂ કરવામાં આવે, તો માત્ર ખાંભા શહેરને જ નહીં, પરંતુ આસપાસના ગામોને પણ ફાયદો થશે અને જુના એસ.ટી. ડેપોમાં સર્જાતી કાયમી ટ્રાફિક સમસ્યાનો પણ કાયમી હલ આવશે.