ગત સપ્તાહે રાજ્યમાં ૨૫ આઈપીએસની બદલી કરવામાં આવી હતી. અમરેલીના એસપી હિમકર સિંહના સ્થાને સંજય ખરાતની નિમણૂક કરવામાં આવી હતી. સંજય ખરાતે અમરેલી એસપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. તેમની સામે અમરેલી જિલ્લામાં કેટલાક પડકારો હશે. અમરેલીમાં ગુનાખોરીને ડામવાનું કામ તત્કાલીન એસપી અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયે કર્યું હતું. જેને હાલ રાજકોટ ગ્રામ્યના એસપી તરીકે મૂકવામાં આવેલા હિમકરસિંહે પણ જાળવી રાખ્યું હતું. નવા એસપી સંજય ખેરાત આ ચીલે જ ચાલશે કે ગુનેગારોનો ઠંડીમાં પરસેવો છૂટી જાય તેવો નવો ચીલો ચાતરશે તે તેમની આગામી બદલી ન થાય ત્યાં સુધીમાં ખબર પડી જશે. એસપી સંજય ખરાત સામે અમરેલી જિલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે, ઘરફોડિયા ગેંગ, તસ્કરોનો તરખાટ સહિત દેશી વિદેશી દારૂની રેલમછેલ ઉપરાંત સગીર યુવતીઓ અને મહિલાઓ પર સતત વધી રહેલા અત્યાચાર અને અસામાજિક તત્વોનો ખોફ, જુગાર, વરલી-મટકા, સટ્ટાબાજી અને આંકડા રમાડવા સહિત અનેક ગુનાહીત કૃત્યો અટકાવવાના પડકાર રહેશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની અમલવારી કરાવવામાં કેવા પ્રકારના પગલાં ભરશે તે થોડા જ દિવસોમાં ખબર પડી જશે. ઉપરાંત જિલ્લામાં તંત્ર અને આરટીઓના અધિકારીઓની રહેમ નજર હેઠળ હાઈવે અને અંતરિયાળ માર્ગો પર દોડતા અને મુસાફરોથી અંદર, ઉપર-નીચે ખીચોખીચ ભરી લોકોના જીવ જોખમમાં મુકતા ખાનગી પેસેન્જર વાહનો, જિલ્લા સહિત આસપાસના જિલ્લામાંથી પશુઓની તસ્કરી કરી ગેરકાયદેસર કતલખાને ઘુસાડવાના ગોરખધંધામાં સંકળાયેલા પશુ તસ્કરો અને કસાઈઓ સામે કાનૂની ગાળીયો કસવામાં આવશે કે કેમ ..? સગીરાઓ અને મહિલાઓ પર થતા અત્યાચાર, હત્યા, બળાત્કાર, છેડતી, જેવા જધન્ય અપરાધોના ઊંચકાઈ રહેલા ગ્રાફને અટકાવવા અને કાબુમાં લેવાનો પડકાર પણ જિલ્લાના યુવાન એસ.પી. સામે રહેશે. અમરેલીના જિલ્લાના તાલુકા મથકો, હટાણાના મુખ્ય શહેરોમાં ખડકાયેલા રહેતા પેસેન્જર વાહનો, વાહનચાલકોને આડેધડ પાર્કિંગ અને રાજમાર્ગો પર ખડકાયેલા લારીવાળા અને ફેરિયાવાળાઓથી સર્જાતા ટ્રાફિકથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે ટ્રાફિક સર્જનાર પરિબળો સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે. તેમજ જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની સ્થાનિક બુટલેગરો અને આંતરરાજ્ય બુટલેગરો સાથેની ચર્ચાતી ભાઈબંધી ખાળવામાં સફળ રહેશે કે નહીં..? તેવા પ્રશ્નો લોકોના મનમાં ઉદભવ્યા છે.
નાનપણથી જ સરકારી નોકરીની ઈચ્છા હતી
સંજય ખરાત મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના રહેવાસી છે અને ૨૦૧૪ કેડરના આઇપીએસ અધિકારી છે. તેઓ ૨૦૧૬થી કામ કરે છે અને ખેડૂત પરિવારમાંથી આવે છે. પરિવારની સ્થિતિ સામાન્ય હતી, તેથી નાનપણથી ખેતીના બદલે સરકારી નોકરી કરવાની ઈચ્છા હતી. કાલેજ પૂનામાં કરી, ૨૦૦૬માં એક કાર્યક્રમમાં ગયા ત્યાંથી આઈપીએસ બનવાનો વિચાર આવ્યો હતો.
વાવણીથી લઈ કાપણી સુધીની તમામ પ્રક્રિયા જાણે છે એસપી
આઈપીએસ સંજય ખરાતના મમ્મી-પપ્પા અભણ છે. બે ભાઈ છે, જે પૈકી એક ખેતી કરે છે અને એક બિઝનેસ કરે છે. બીએસસી એગ્રીકલ્ચર કર્યું હોવાથી તેમને હજુ પણ ખેતીમાં રસ છે. રજા લઇને જ્યારે તેઓ વતન જાય છે ત્યારે બેગ મૂકીને તરત જ ખેતરમાં ઉપડી જાય છે. ખેતીમાં કેવી રીતે હળ ચલાવવું તે પણ જાણે છે, તેમજ વાવણીથી લઈ કાપણી સુધીની તમામ પ્રક્રિયા જાણે છે.