અમરેલીના અમર પાર્ટી પ્લોટ ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના યજમાન પદે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જેની રીજીયન-૫ની કોન્ફરન્સ યોજાઈ હતી. રીજીયન ચેરપર્સન લાયન જયેશભાઇ પંડ્યાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં અમરેલી, ભાવનગર અને સિહોર સહિતની કુલ ૮ લાયન્સ અને લિઓ ક્લબોના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લાયન દિનેશભાઇ સોરઠીયા દ્વારા ધ્વજવંદન અને કોન્ફરન્સ કન્વીનર લાયન પ્રા. એમ.એમ. પટેલ દ્વારા સ્વાગત પ્રવચન બાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર વસંતભાઈ મોવલિયા અને પૂર્વ મલ્ટીપલ કાઉન્સીલ ચેરપર્સન કમલેશભાઈ શાહે લાયનવાદની સેવાકીય જ્યોત છેવાડાના માનવી સુધી પહોંચાડવા અપીલ કરી હતી. ડિસ્ટ્રિક્ટ ગવર્નર અભયભાઈ શાહ, પ્રથમ વાઈસ ગવર્નર હાર્દિકભાઈ મહેતા અને દ્વિતીય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિરવભાઈ વડોદરિયાએ રીજીયન-૫ની સુંદર કામગીરીને બિરદાવી હતી અને ‘નીડ બેઝ સર્વિસ પ્લસ’ સૂત્રને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો. ઝોન ચેરપર્સન કૌશિકભાઈ હપાણી અને ડો. દશરથભાઈ પ્રજાપતિએ પોતપોતાના ઝોનની ક્લબોની વહીવટી અને સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરી અલગ-અલગ થીમ સાથે આકર્ષક બેનર પ્રેઝન્ટેશન કરાવ્યું હતું. બેનર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) પ્રથમ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ) દ્વિતીય અને લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ) તૃતીય સ્થાને આવતા તેમને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિવિધ સેવાકીય કાર્યોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આઠ લાયન્સ ક્લબ અને એક લિઓ ક્લબને પણ સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શરદભાઈ વ્યાસે કર્યું હતું અને આભારવિધિ પ્રમુખ ઋજુલભાઇ ગોંડલિયા દ્વારા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે સેક્રેટરી પરેશભાઈ કાનપરીયા અને ટ્રેઝરર અશ્વિનભાઈ ડોડીયા સહિતના લાયન સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.





































