સોમવારે રાત્રે અમરેલીથી સુરત જઈ રહેલી ખોડલધામ ટ્રાવેલ્સની લક્ઝરી બસને ઇશ્વરીયા અને વરસડા ગામ વચ્ચે અકસ્માત નડ્યો હતો. અમરેલીથી આશરે ૨ કિલોમીટર દૂર, સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકને ટાળવાના પ્રયાસમાં બસ ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી.સદ્નસીબે, આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. બસમાં સવાર મુસાફરો પૈકી માત્ર બે વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે અન્ય તમામનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ અમરેલી તાલુકા પોલીસે તાત્કાલિક પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. ફસાયેલા મુસાફરો માટે ટ્રાવેલ્સ સંચાલકોએ બીજી બસની વ્યવસ્થા કરી તેમને સુરત રવાના કર્યા હતા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.










































