શહેરમાં ફરી એકવાર ઇંધણના પુરવઠાને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. સતત રજાઓના દિવસોને કારણે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જાવા મળી રહી છે, જ્યારે કેટલાક પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે.
આ સમાચાર વાયુવેગે ફેલાતા કે પેટ્રોલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે, લોકોમાં ગભરાટ જાવા મળ્યો હતો. પરિણામે, અમદાવાદના માનવ મંદિર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. લોકો અગમચેતીના ભાગરૂપે પોતાના વાહનોમાં પેટ્રોલ ફૂલ કરાવવા ઉમટી પડ્યા હતા. ભીડ એટલી પ્રચંડ હતી કે પેટ્રોલ પંપના કર્મચારીઓ ટૂંકા પડ્યા હતા, અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પંપ માલિકના પરિવારના સભ્યોએ પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું.
બીજી તરફ, પકવાન નજીક આવેલા પંપ પર સ્ટોક ખાલી થઈ જતાં સંચાલકે વેચાણ બંધ કરી દીધું છે. રજાઓના કારણે ડેપોમાંથી સપ્લાય ન આવતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કાળઝાળ ગરમીમાં એક પંપથી બીજા પંપ સુધી ભટકી રહેલા વાહનચાલકો અટવાયા છે.
આ અંગે પેટ્રોલ પંપ એસોસિએશન અને સંચાલકોનું કહેવું છે કે, આ કોઈ કાયમી અછત નથી. રજાઓના દિવસો હોવાને કારણે સપ્લાય ચેઈનમાં થોડો વિલંબ થયો છે, જેના લીધે જથ્થો સમયસર પહોંચી શક્યો નથી. તેમણે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ ઈંધણનો પૂરતો જથ્થો આવી જશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે. ત્યાં સુધી નાગરિકોને ગભરાટમાં આવીને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરવામાં આવી છે.
બીજી બાજુ, રાજકોટમાં પણ આવી જ સ્થિતિ જાવા મળતાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, તમામ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કોઈ વિક્ષેપ નથી. કલેક્ટરે નાગરિકોને અપીલ કરી હતી કે, અફવાઓથી પ્રભાવિત થઈને પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ ન કરે. તેમણે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીથી સાવચેત રહેવા જણાવ્યું છે. પ્રશાસનના કહેવા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ઈંધણ પુરવઠો સામાન્ય રીતે ચાલુ રહેશે. બીજી બાજુ, પેટ્રોલ-ડીઝલ મુદ્દે ફેડરેશનનો મોટો દાવો સામે આવ્યો છે.આઇઓસી સાથે બેઠક બાદ એફજીપીડીએનું નિવેદન સામે આવ્યું છે.એફજીપીડીએના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ નિવેદન આપ્યું છે કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ તંગી નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે. શનિ-રવિના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. સાંજ સુધી અથવા કાલ સુધીમાં સમસ્યા ઉકેલાશે.










































