અમદાવાદમાં રિયલ એસ્ટેટના નામે રોકાણકારો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખાએ એક એવા પરિવારને દબોચ્યો છે, જેણે પ્રતિષ્ઠિત વેપારી હોવાનો સ્વાંગ રચીને ૪૧ કરોડથી વધુની રકમ ચાઉં કરી લીધી છે. સોલા અને થલતેજ જેવા પોશ વિસ્તારની જમીનો અને ફ્લેટો અપાવવાના બહાને ખેડૂતોની ખોટી સહીઓ કરી બનાવટી દસ્તાવેજા બનાવી આ મહાઠગોએ અનેક વેપારીઓને ચૂનો લગાવ્યો છે.
અમદાવાદના વેપારી મયુરકુમાર ઠક્કર અને તેમના ભાગીદારોએ કલ્પના પણ નહીં કરી હોય કે જે મિતેશ પટેલ પર તેઓ આટલો વિશ્વાસ કરી રહ્યા છે, તે તેમને અધવચ્ચે લૂંટી લેશે. સોલા વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી મિતેશ ભરતભાઈ પટેલ., તેની પત્ની મોક્ષા પટેલ અને ભાઈ પ્રતીક પટેલે ભેગા મળીને સોલા સર્વે નંબર ૯૨૩/૨ અને થલતેજની કિંમતી જમીનો વેચવાના નામે મયુરકુમાર પાસેથી સપ્ટેમ્બર ૨૦૨૧ થી મે ૨૦૨૫ દરમિયાન કુલ ૬૮.૮૭ કરોડ પડાવ્યા હતા.
પટેલ પરિવાર આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત શાતિર હતી. તેઓએ ફરિયાદીનો ભરોસો જીતવા માટે ખેડૂતોના નામે ખોટી સહીઓ કરી નાણાં મળ્યાની બનાવટી પાવતીઓ એટલે કે વાઉચર્સ બનાવી આપ્યા હતા. જમીનના દસ્તાવેજા કરી આપવાના બહાને તેઓ વારંવાર સમય પસાર કરતા રહ્યા. આટલેથી ન અટકતા, આરોપીઓએ પોતાની સ્કીમ ‘પાલ્મ ગ્લોરી-૪’ માં ફ્લેટો આપવાનું કહીને પણ કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા.
રોકાણકારો પાસેથી જ્યારે ફરિયાદીએ આરોપીઓ પાસે હિસાબ માંગ્યો, ત્યારે આરોપીઓએ કુલ રકમમાંથી ૨૭.૮૬ કરોડ પરત કર્યા હતા, પરંતુ બાકીના ૪૧,૦૦,૯૨,૦૦૦ ચાઉં કરી ગયા હતા. ફરિયાદીઓ ને છેતરપિંડીનો અહેસાસ થતા મયુરકુમારે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક શાખાએ તાત્કાલિક કાર્યવાહી કરી પટેલ પરિવાર ના મિતેશ, મોક્ષા અને પ્રતીક પટેલની ધરપકડ કરી છે.
પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, આ ૪૧ કરોડની રકમ ક્યાં રોકવામાં આવી છે અને અન્ય કેટલા લોકો આ ટોળકીનો શિકાર બન્યા છે. જમીન લે-વેચમાં આંખ મીંચીને કરવામાં આવતો વિશ્વાસ કેવી રીતે બરબાદી લાવે છે, આ કિસ્સો તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. હાલ તો આખો પટેલ પરિવાર જેલના સળિયા પાછળ છે, પણ કરોડોની આ રકમ રિકવર કરવી પોલીસ માટે મોટો પડકાર છે.










































