અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ગુજરાતમાં કોરોના વાયરસે વેગ પકડ્યો હોય તેમ ૧૬ શહેર અને જિલ્લામાં સંક્રમણ ફેલાયું છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાના એકટીવ કેસ ૧૦૯ હતા, જે હવે વધીને ૧૯૦ને પાર થયા છે. આમ એક જ દિવસમાં ૮૧ એકટીવ કેસ વધ્યા છે. કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં ૧૩૧, રાજકોટમાં ૧૫, જામનગરમાં ૧૦ અને મહેસાણામાં ૬ કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં અમદાવાદમાં ૪૨ જેટલા એકટીવ કેસ વધ્યા છે. ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ એલએફ.૭.૯ અને એક્સએફજીના કેસ નોંધાઈ રહ્યા છે.
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ માથું ઊંચકયું છે. એકટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, અલબત્ત, માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. માંડ પાંચથી સાત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બે જેટલા દર્દીઓની ઓક્સીજનના સહારે સારવાર ચાલી રહી છે. અમદાવાદ પછી સૌથી વધુ એકટીવ કેસ રાજકોટ શહેરમાં છે, જ્યાં ૧૫ જેટલા દર્દીઓ નોંધાયા છે.
જામનગર શહેરમાં ૧૦, મહેસાણામાં ૬, ગાંધીનગર શહેરમાં ૫, સુરત શહેરમાં ૫, ભાવનગર શહેરમાં ૪, કચ્છમાં ૩, ખેડા, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લામાં બે-બે કેસ તદુપરાંત પાટણ, વલસાડ, જૂનાગઢ શહેર, આણંદ, ભરૂચમાં એક એક કોવિડ પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તબીબોનું કહેવું છે કે, માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી ગભરાવા જેવું કંઈ નથી, જાકે સાવચેતી રાખવી જરૂરી છે, ભીડભાડથી દૂર રહેવું હિતાવહ છે.
સૂત્રો કહે છે કે, ગુજરાતમાં કોરોનાના જે કેસો જાવા મળ્યા છે તેમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ એલએફ.૭.૯ અને એક્સએફજી જાવા મળ્યા છે. હાલમાં જે પણ પોઝિટિવ કેસ આવી રહ્યા છે તે કેસના નમૂના જીનોમ સિકવન્સિંગ ટેસ્ટ માટે મોકલવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં અમદાવાદ અને રાજકોટમાં જ કોવિડ કેસ હતા પરંતુ કોરોના હવે ગુજરાતના ૧૬ શહેર જિલ્લામાં પ્રવેશ્યો છે.