અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦૨૬ના ફ્લાવર શોની ૧૧ લાખ લોકોએ મુલાકાત લીધી હતી. ફ્લાવર શોમાં કરેલો ખર્ચો એએમસીને આ વર્ષે માથે પડ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ વખતે ફ્લાવર શો પાછળ ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની સામે મહાનગરપાલિકાને માત્ર ૧૩.૫૦ કરોડ કરતા વધુની આવક થઇ છે. એટલે કે ફ્લાવર શોમાં ૬.૫૦ કરોડનું નુકસાન થયું છે.
અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ ખાતે એક જાન્યુઆરી ૨૦૨૬થી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ૧૧ લાખ કરતા વધુ લોકોએ મુલાકાત લીધી હતી. ફ્લાવર શોને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૧૩.૫૦ કરોડ કરતા વધુની આવક થઇ છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીયય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧ જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને ખુલ્લો મુક્યો હતો. ફ્લાવર શોની વાત કરીએ તો દિવસેને દિવસે તેની નામના વધતી જાય છે. અનેક રાજ્ય અને દેશમાં લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. આ વખતે ૧૧ લાખ ૬૮ હજાર જેટલા મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
દેવાંગ દાણીએ ફ્લાવર શોને કારણે એએમસીને થયેલી આવક વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ફ્લાવર શોમાં ટિકિટ, સ્પોન્સર અને સ્ટોલની હરાજીના માધ્યમથી એએમસીને લગભગ ૧૩.૫૦ કરોડ કરતા વધુની આવક થઇ છે. ખાસ કરીને લોકોનો હેપ્પીનેસ ઇન્ડેક્સ વધે એટલે મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા કાર્નિવલ, ફૂડ ફેસ્ટિવલ અને ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.









































