ગુજરાતમાં કડક દારૂબંધી વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં પોલીસની નજરમાંથી બચવા માટે નકલી નંબર પ્લેટનો સહારો લેવામાં આવ્યો હતો. જાકે, સરખેજ પોલીસે બાતમીના આધારે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, પાંચમી એપ્રિલ ૨૦૨૬ના રોજ મોડી રાત્રે ૧ વાગ્યાની આસપાસ સરખેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બોપલથી મમતપુરા તરફ જતા એસ.પી. રિંગ રોડ પર એક કેફે સામે સર્વિસ રોડ પર સફેદ કલરની કાર ઊભી છે. આ કારમાં વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી કારને કોર્ડન કરી હતી.પોલીસે કારમાં સવાર શખસની અટકાયત કરી તપાસ હાથ ધરતા કારની ડેકી, પાછળની સીટની નીચે તેમજ ડ્રાઈવર સીટની નીચે છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે ભીડ એકઠી ન થાય તે માટે કાર અને આરોપીને સીધા સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા અને ત્યાં ગણતરી હાથ ધરી હતી.
પોલીસે કુલ ૪૫૬ નંગ દારૂની બોટલ અને બિયરના ટીન, એક મોબાઇલ ફોન અને કાર સહિત કુલ ૪,૪૭,૯૩૬નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ ૩૫ વર્ષીય શાંતિલાલ ચૌધરી તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કાર પર બીજી કોઈ ગાડીની નંબર પ્લેટ લગાવી હતી.







































