ગુજરાતમાં દિવસે દિવસે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બોપલમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક પિતરાઈ ભાઈએ સામાન્ય વિવાદમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને તેના જ ભાઈની હત્યા કરી નાખી છે. આ ઘટના ગઈકાલે સાંજે બની હતી.આ કેસમાં મૃતક અને આરોપી બંને પિતરાઈ ભાઈઓ છે, જેમની વચ્ચે નાની વાતના ઝઘડાએ વધીને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું.
પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક વિષ્ણુ કુશવાહા અને આરોપી રામુ કુશવાહા બંને કલર કામ કરીને જીવન નિર્વાહ કરતા હતા. તેઓ બોપલ વિસ્તારમાં રહેતા હતા અને પરિવારમાં નજીકના સંબંધીઓ તરીકે ઓળખાતા હતા. ગઈકાલે સાંજે બંને વચ્ચે કોઈ સામાન્ય વાત પર બોલાચાલી થઈ, જે ઝડપથી તીવ્ર વિવાદમાં પરિણમી હતી. આ વિવાદમાં આરોપી રામુ કુશવાહાએ ગુસ્સામાં આવીને તિક્ષ્ણ હથિયારના અનેક ઘા મારીને વિષ્ણુને લોહીલુહાણ કરી દીધો હતો,અને ઘટના સ્થળે જ વિષ્ણુનું મોત નીપજ્યું હતું.
માહિતી અનુસાર આ ઘટના બોપલના એક રહેણાંક વિસ્તારમાં બની હતી, જ્યાં બંને ભાઈઓ વારંવાર મળતા હતા.જા કે વિવાદનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરી છે.