ભર ઉનાળે વરસાદ પડે એટલે માવઠું થયું કહેવાય. સામાન્ય રીતે માવઠું એકાદ બે દિવસ વરસીને જતું રહેતું હોય પણ આ તો સો વર્ષનાં ઇતિહાસમાં આવું કોઈને સાંભરણમાં નથી કે એક મહિનાનું માવઠું હોય. હવે તો દરરોજ સૌને પૂછવાની ટેવ પડી ગઈ છે કે આજે બપોર પછી ક્યાં વરસ્યો? બધાને આમ તો એવું કહેતા સાંભળેલ કે વરસાદ વરસ્યો ભલો પણ એ વાત ચોમાસાને લાગુ પડતી હશે. આ માવઠાએ તો મોકાણ કરી છે બધા માટે. કેમકે અત્યારે તો ખાસ કરીને ઉનાળાનું રાજા ફળ એટલે કેરીની ફૂલ સિઝન ગણાય અને તડકા પડે એમ કેરીનું ફળ સારું પાકે. પરંતુ આ વર્ષે તો કેરીનો ખેલ ખતમ કરી નાખ્યો આ માવઠાએ. બગીચાના માલિકથી માંડીને કેરીના રસિયા સુધી સૌનાં માટે માવઠાએ મુસીબત સર્જી. એક તો પવનમાં ફાલ ખરી જવાથી ઉત્પાદન ઓછું આવશે પણ એની સામે માલની સોર્ટેજ રહેવાથી ભાવ ઊંચા આવશે એવી ગણતરી પણ આંબાવાડી વાળાની ઊંધી પડી. કારણ કે રોજ પડતા વરસાદમાં કેરી પલળવાથી બગડી જાય એટલે ઉલટાની સાવ સસ્તા ભાવે કાઢી નાખવી પડે નહિતર સાવ બગડી જાય. બીજી બાજુ ખાવાવાળા વર્ગને એમ હતું કે આ સિઝનમાં કેરી ખૂબ મોંઘી રહેશે એટલે ઓછી ખવાશે. એની એ ગણતરી પણ સાવ ઊંધી પડી. કેમ કે વરસાદમાં પલળી ગયેલો માલ એકસાથે બજારમાં આવતા સાવ સસ્તી મળવા છતાં જાજી લઈ શક્યા નહિ. આ રીતે ખૂબ સસ્તી મળતી હોવા છતાં સિઝન ટૂંકાઇ જવાથી દર વર્ષ જેટલી ખાઈ શકાય એમ નથી.
વળી ગયા વર્ષે ચોમાસામાં વરસાદ સારો હતો એટલે કૂવા અને દારમાં પાણી ઉનાળા સુધી ટકી રહેલા હોવાથી મોટાભાગના ખેડૂતોએ ઉનાળું વાવેતર ગણતરીપૂર્વક કરેલું. જેમાં ખાસ કરીને ઉનાળામાં પાકતી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની દશા બેસાડી દીધી આ માવઠાએ. ઉનાળું તલ અને કઠોળની પણ આવી જ હાલત થઈ. ખેતી પાકની હાલત બગડે એટલે ખેડૂત અને ખેતી પર નિર્ભર લોકોની પણ હાલત કફોડી થાય. પાકેલો માલ બગડે એટલે ફાયદો તો એકબાજુ રહ્યો નુકસાની ડબલ થાય. ખેતી ખર્ચની સાથે મજૂરી ખર્ચ વધી જાય. આ તો વાત થઈ ખાલી વરસાદની પણ એમાંય વચ્ચે વચ્ચે વાવાઝોડા આવી જાય એટલે મકાન, જમીન, વૃક્ષો, ટપક લાઈન, ઇલેક્ટ્રિક લાઈન, રોડ રસ્તા વગેરે તમામ બાબતોની નુકસાની થાય છે. બધી બાજુથી બધા લોકોને માર પડે છે. વારંવાર આવતા માવઠાએ અને વાવાઝોડાએ લોકોની સાથે તંત્રને પણ હાલાકી ભોગવતું કરી દીધું છે. રોજબરોજની રૂટિન કામગીરી પણ સમયસર પૂરી થતી ના હોય અને આવી આપાતકાલીન વધારાની કામગીરી કરવામાં લાંબા ગાળાની ખૂબ મોટી તફલીફ લોકોને ભોગવવી પડે છે. વાવાઝોડામાં રોડ પર પડી ગયેલા વૃક્ષો અને ઇલેક્ટ્રિક તાર અને પોલના સમારકામ કરવા માટે લોકોને, તંત્રને અને કર્મચારીના ફેમિલીને પણ ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે. મોટાભાગના વિસ્તારમાં તો અત્યાર સુધીમાં વાવણી થઈ જાય એટલો વરસાદ વરસી ગયો છે પણ વાવેતર માટેનો સમય હજી વહેલો ગણાય એટલે ખેડૂતો દ્વિધામાં મુકાઈ જાય છે. વાવીશું તો ફાવીશું કે પસ્તાઈશું એ છાપ-કાટના જુગાર જેવી હાલત થઈ છે. ઘરવિહોણા તંબુ તાણીને રહેતા લોકો માટે આવા કમોસમી માવઠા મહા મુસીબત સર્જે છે. કેમકે નાના બાળકોને આવા તંબુમાં એકલા મૂકીને સવારે મજૂરી કામે નીકળતા મા-બાપ સાંજના સમયે અચાનક ફુંકાતા વાવાઝોડામાં ફસાઈ જાવાના કારણે મોડી રાત કે સવાર સુધી ઘરે પહોંચી શકતા નથી ત્યારે એમની માનસિક હાલત કેવી થતી હશે! તંબુ કે ઝૂંપડા પવનમાં ઊડી જાય અને વરસતા વરસાદ, પવનના સૂસવાટા, વીજળીના કડાકા-ભડાકા વચ્ચે બાળકો માટે કુદરતી આશરો એટલે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કશો આધાર રહેતો નથી. સામે અધવચ્ચે રસ્તામાં મા-બાપ માટે પોતાના રક્ષણની સાથે ઘરે રહેલા બાળકોની ચિંતા કેટલી બિહામણી હશે? હેમખેમ ઘરે આવ્યા પછી પણ નવા ઘરની વાત તો દૂર બાળકોની હાલત, ઘરવખરી, રસોઈની સામગ્રી આ બધું એકઠું કરવા માટે શું શું વીતતી હશે એના પર! દિવસ આખો તનતોડ મહેનત કરીને રાતે વહેલા-મોડા ઘરે આવીને બટકું રોટલો ખાઈને આરામ કરવાને બદલે અસ્ત-વ્યસ્ત થયેલ આશરો ઠીક કરવામાં રાત આખી નીકળી જતી હશે. કેવી કફોડી સ્થિતિનું સર્જન આ અણધારી આકાશી આફતના લીધે થાય છે! ખુલ્લા વાહનનો ધંધો કરતા લોકો અને એમાં મુસાફરી કરતા લોકો જતાં આવતા રસ્તામાં હોય અને અચાનક આવું ભયાનક વાવાઝોડું ઉપડે ત્યારે નજીકનો આશરો ન મળે ત્યાં સુધી સૌના જીવ પડીકે બંધાઇ રહેલા રહે છે. હમણાં તાજેતરમાં આવેલ આવા વાવાઝોડાના જાતે જોયેલા દ્રશ્યો, જાત અનુભવની વાતો એકબીજા સાથે કરતા કરતા વાવાઝોડાની મોકાણ જેવા શબ્દો અનેકના મુખેથી નીકળી જાય છે. કેટલીક જોયેલી, સાંભળેલી અને અનુભવેલી વાતો પણ આવનારા સમયમાં આપણા માટે સતર્કતા અને સાવચેતી સાથે ભવિષ્યમાં કુદરતી કરિશ્મા સામે અનુકૂળ બચાવ માટે ઉપયોગી સાબિત થાય એ જ હેતુ સાથે અસ્તુ.