• હાલ અમુક વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થયો નથી તે ખેડૂત ભાઈઓને જણાવવાનું કે તમારી ક્રોપીંગ પેટર્નમાં ફેરફાર કરજો. હવે બને ત્યાં સુધી ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવાનો આગ્રહ રાખવો.
• જ્યાં પણ સુકારો આવ્યો હોય તેમણે નિયંત્રણના પગલા લેવા. ખાલા તાત્કાલિક પૂરી દેવા.
મગફળીઃ જયારે ખેતમજૂરોની અછતની પરિસ્થિતીમાં પાક વાવ્યા બાદ તુરંત (સ્ફુરણ પહેલા) નિંદામણનાશક દવા પેન્ડીમીથાલીન ૧ કિ.ગ્રા. પ્રતિ હેકટરે અને મગફળી ર૦ દિવસની થાય ત્યારે કવીઝાલોફોપ ઈથાઈલ ૦.૦પ કિ.ગ્રા. પ્રતિ હેકટરે અથવા ઈમીઝેથાપાયર નિંદામણનાશક દવા ૦.૦૭પ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે છંટકાવ કરવો.
કપાસ:
• ઋતુ દરમ્યાન રોગ અને જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ-જીવાતના નિયંત્રણ પગલાં લેવા.
• વધારાના કપાસના છોડને ધીમેથી ખેંચી કાઢવા તથા જે જગ્યાએ ખાલા પડેલ હોય તે ખાલા પૂરવા.
• વાવેતર બાદ એક માસના અંતરે નાઈટ્રોજનયુક્ત ખાતર આપવું.
ડાંગરઃ
• ગાભમારાની ઈયળનાં નિયંત્રણ માટે આ જીવાતનો ઉપદ્રવ ધરુંવાડિયાથી જ શરુ થઈ જતો હોય એમામેકટીન બેન્ઝોએટ ૪ ટકા અથવા કાર્ટેપ હાઈડ્રોકલોરાઈડ ૪ % દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા. / ૧૦૦ ચો.મી. (૧ ગુઠા) વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ ૧૫ દિવસે આપવો.
તલ: તલનું બીજ ઝીણું હોવાથી વાવણી વખતે તેમાં રેતી ભેળવીને વાવેતર કરવું. એક હેકટરના વાવેતર માટે ર.પ થી ૩ કિ.ગ્રા બીજ પૂરતુ છે. એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાનનો પટ આપીને વાવેતર કરવું.
ચોમાસું તલ વાવેતરના ફાયદા:
• ટૂંકાગાળાનો પાક હોવાથી આંતરપાક માટે ખુબ જ સુસંગત છે.
• અનિયમિત વરસાદની પરિસ્થિતિમાં પણ અન્ય પાકોની સરખામણીમાં સફળતાપૂર્વક લઈ શકાય છે.
• બીજા પાકોની સરખામણીમાં ખેતી ખર્ચ ઓછો છે.
• જમીનનું પ્રત સુધરે અને ભેજ સંગ્રહ શકિત વધે છે.
મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળી:
• મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળીમાં સફેદ માખીનાં નિયંત્રણ માટે આ જીવાતનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
બાજરીઃ
• બાજરી, જુવાર અને ઘાસચારાના પાકો: સાંઠાની માખીનાં નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૫ ગ્રામ / કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું અથવા વાવણી વખતે ઈમિડાકલોપ્રીડ અથવા ફીપ્રોનીલ ચાસમાં આપવું.
મકાઈ, દિવેલા, મગ, ચોળા, મગફળી, સોયાબીન, શણ, કાતરા
• કાતરાનો ઉપદ્રવ નિયમિત જોવા મળતો હોય ત્યાં ખેતરની ફરતે ખાઈ બનાવી તેમાં ભૂકારૂપ કીટનાશક ભભરાવવી જેથી કાતરા શેઢા – પાળા પરથી ખેતરમાં ઉતરે ત્યારે દવાના સંપર્કમાં આવે તો નાશ થઈ શકે.
• લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી.
• વધુ ઉપદ્રવ જણાય તો થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુ ૨૦ ગ્રામ અથવા ઈન્ડોઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસ.જી. ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• પ્રથમ સારો વરસાદ થયા બાદ દરરોજ રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફુદીઓને આકર્ષી નાશ કરવો.
ટમેટા:
• ટમેટામાં ભલામણ કરેલ ૭૫+૩૭.૫+૬૨.૫ ના.ફો.પો. તત્વો સિવાય સુક્ષ્મ તત્વો પણ આપવા અથવા મલ્ટીમાઈક્રોન્યુટ્રીયન્ટ ૧ ટકા દ્રાવણનો છંટકાવ ૪૫, ૬૦ અને ૭૫ દિવસે કરવાથી વધુ ઉત્પાદન મળે.
ભીંડા:
• શરૂઆતની અવસ્થામાં ભીંડામાં આવતી લીલી પોપટી (જેસીડ) અને મોલોમશી (એફીડ) ના અસરકારક નિયંત્રણ માટે ભીંડાના બીજને થાયોમેથોકઝામની ર.૮ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રિડ પ ગ્રામ દવા પ્રતિ કિલો બીજદીઠ બીજ માવજત આપવાની ભલામણ છે.
• ભીંડામાં આવતી કથીરીના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર ૧પ ગ્રામ અને ડાયકોફોલ ૧પ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ અથવા બે છંટકાવ ફેનાઝેકવીન ૧૦ મિ.લિ. અથવા ડાયફેન્થીયુરોન ર મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી પ્રથમ છંટકાવ કથીરી દેખાય કે તુરંત જ અને બીજો છંટકાવ ૧૦ દિવસ પછી કરવો જોઈએ.
રીગણી:
• રીગણીનાં ફળ અને ડુંખ કોરી ખાનાર ઇયળનાં નિયંત્રણ માટે એમામેકટીનબેન્મોએટ ૫ ગ્રામ / ૧૦ લિ. છંટકાવ કરવો.
મરચી:
• ચોમાસું મરચીના પાકના ધરૂ માટેનું વાવેતર સામાન્ય રીતે જૂન મહિનાના અંતમાં કરવામાં આવે છે.
• ત્યારબાદ ૪૦ થી ૪૫ દિવસે ૧૫મી ઓગષ્ટની આજુબાજુ જયારે ઝરમર વરસાદ ચાલુ હોય ત્યારે ફેરરોપણી કરવી. ડુંગળી: • ચોમાસું ડુંગળીનું વાવેતર સામાન્ય રીતે જૂન મહિનામાં કરવામાં આવે છે. વેલાવાળા શાકભાજી: વેલાવાળા શાકભાજીને મંડપ પધ્ધતિથી વેલા ઉપર ચઢાવી વાવેતર કરવું જોઈએ જેથી વધુ ઉત્પાદન તેમજ સારી ગુણવત્તાવાળા ફળો મળે છે, ફળો સડી જતા અટકે છે, રોગ જીવાતનો ઉપદ્રવ ઘટે છે તેમજ પિયત, દવા, છંટકાવ, આંતરખેડ, નિંદામણ અને વીણી જેવી કામગીરીમાં ઘણી જ અનુકૂળતા રહે છે.
ધરૂ ઉછેર: • ધરૂવાડીયા માટે જમીન સારી ફળદ્રુપતાવાળી, સારા નીતારવાળી, પાણી ભરાઈ ન રહે તેવી પાણીના નીકાલવાળી તેમજ વાડ કે ઝાડનો છાયો આવતો ન હોય તેવી હોવી જાઈએ.
રાબીંગ:
• જમીન ઉપર ઘઉંનું કે બાજરીનું ભુંસુ અથવા નકામું ઘાસ પાથરી છ ઈંચ જેટલો થર બનાવવો, આ ઘાસના થરને પવનની વિરુદ્ધ દિશામાં સળગાવવું જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપે આને રાબીંગ કહેવામાં આવે છે.
બાગાયતઃ
રોપણીની પૂર્વ તૈયારી:
• યોગ્ય અંતરે યોગ્ય માપના ખાડાઓ તૈયાર કરવા.
• ખાડાઓને ૧૫-૩૦ દિવસ સૂર્પના તાપમાં તપવા દેવા.
• ત્યારબાદ બે ભાગ માટી અને એક ભાગ કોહવાયેલા છાણીયા ખાતરના મિશ્રણથી ખાડાઓ પૂરેપૂરા ભરવા.
• ઉધઈના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ૨૫ મિ.લિ. પ્રતિ ૧૫ લિ. પાણીમાં નાખી ખાડા દીઠ જંતુનાશક દવા ૧૦૦ ગ્રામ પાવડર પણ મિશ્રણમાં ભેળવવો.
• રોપણી માટે જે તે ફળ પાકની પ્રમાણિત કલમો/રોપાઓ પસંદ કરવા.
પશુપાલનઃ
• જાનવરોને હવા ઉજાસવાળા ઠંડા શેડમાં રાખવા. જેથી ગરમીના સમયે આરામ મળે. રોગ માટેની વધારાની રસી મુકાવવી.
• ગાભણ જાનવરોની વિશેષ કાળજી લેવી. જેમાં પોષકતત્વો મળી રહે તેવો ખોરાક જરૂરિયાતમાં આપવો. ગાભણ જાનવરોને વધુ દોડાવવા નહિ, સાંકડી જગ્યામાંથી બહાર કાઢવા નહિ વગેરે બાબતોની કાળજી લેવી.
• મે માસમાં બાકી રહેલ જાનવરોમાં ગળસુંઢા તથા ગાંઠીયા તાવનું રસીકરણ કરાવી લેવું.
• ખરવા – મોવાસાની દર છ માસે આપવાની થતી રસી અપાવવી.