દિનકરરાયને ખબર જ હતી કે આટલી વાત થયા પછી, જેવો હું પેલો પ્રશ્ન પૂછીશ એટલે ફોન કટ થઇ જવાનો! અથવા તો સામે છેડેથી ‘પ્લીઝ, પપ્પા સંભળાતું નથી, મોટેથી બોલોને…’…કે પછી ‘ કવરેજ જ નથી આવતું પપ્પા, બે મિનિટ પછી ફોન કરું છું …’કે પછી, ‘એક મિનિટ હોં, હું જરા બીઝી છું આ બાબતે નિરાંતે વાત કરું છું..’..એવું સંભળાશે. પણ છતાંય બાપ હતો ને પોતે? હૃદયમાં ધબકતા પોલાણો વચ્ચે, દીકરા-વહુ-બાળકો પ્રત્યેની મમતનું ઘર બાંધી રાખ્યું હતું અને એ ઘરને સપનાનાં દીવડાથી ઝળહળ કરી રાખ્યું હતું કે કયારે પોતાનો દીકરો, એના બે નાના ટબૂડિયા બાળકો અને રુમઝુમ કરતી વહુ આવે અને એ હૃદયની અંદર શણગારી રાખેલા ઘરમાં અને આ ઘરમાં પણ કિલકારીઓ વહેતી થઇ જાય!!.
દીકરાનાં ‘પપ્પા’ ‘પપ્પા’ નો સ્વર પમરાટ અને વહુની ઝાંઝરીનો ઝણકાર સંભળાય. પરંતુ, એમના ધારવા મુજબ જ, દીકરા, ‘દીવાળી ઉપર હવે કયારે આવો છો?’ ‘ તમે ગઇ સાલે ય દીવાળી ઉપર નહોતા આવ્યા અને ઉનાળામાં તો તારે જાપાન જવાનું થયું ટ્રેનિંગમાં, એટલે ન આવી શક્યો પણ હવે તો એક આખું વરસ પૂરુંય થવા આવ્યું… આ, તારી મમ્મી પણ તમને બધાને યાદ કરી કરીને…
એટલે, ‘ તમે કયારે આવો છો હવે?” જેવું પૂછાયું કે તરત જ ‘એક મિનિટ હોં પપ્પા…અત્યારે મારા બીજા ફોનમાં અમારા ચેરપર્સનનો ફોન આવે છે, નક્કી કોઇ દીવાળી ઇસ્યુ માટે જ બોલાવતા હશે, વીલ કોલ યુ, બાય પપ્પા” કહી મૂકી જ દીધો. !!
અને દરિયામાં અગ્નિ પ્રગટાવી દે એવો ફળફળતો નિશ્વાસ દિનકરરાયના હૈયામાંથી નીકળી જ પડ્યો. શરીરની તમામ ઉર્મિઓ થીજી ગઈ. રીસીવર, કાન અને હૃદયનાં કંપનો વચ્ચે શૂન્યતાનું લોલક આમથી તેમ ભટકતું રહ્યું….!
દીકરો ‘બે મિનિટ પપ્પા…ફોન હોલ્ટ ઉપર રાખો..’ એવું પણ કયા કહી શક્યો..? નહિંતર તો ફોન તો પોતે કર્યો હતો. દીકરાએ નહી..! અને આમ પણ સામેથી તો દીકરાને ફોન કરવાનો સમય જ કયાં મળે છે? આ તો અઠવાડિયા જેવું થઇ જાય પછી હૈયું હાથમાં નથી રહેતું! હા, એમ થઇ જ જાય કે ચાલો, દીકરાને ફોન કરું અને ખાસ તો મુદ્દલને વહાલું વ્યાજ હોય એ તો બધું લોહીના ખેંચાણે અને એ નાતે પૌત્ર-પૌત્રી સાથે વાત કરવાનું દાદાનું હૈયું બહાના શોધતું રહે છે. પરિવારની અને ખાસ તો બાળકોની ચિંતા પણ રહેતી હોય છે એમને! એટલે તો જ્યારે પણ વાત થાય ત્યારે દાદાની લાગણી બોલી ઉઠે છે કે, બેટા, બન્ને છોકરાની તબિયત જાળવજો…
પણ સામે છેડેથી ‘‘ પપ્પા… મારે તમને કેટલી વાર કહેવું કે એવી નાહકની ચિંતાઓ કરી કરીને ફોન નહી કરવાના. પણ તમે માનો છો જ કયાં? ફોગટની ચિંતા કરી કરીને બી.પી. વધી જશે તો દોડાદોડી કોને? મારે જ ને?’’
દિનકરરાય અત્યારે પણ કરુણતા ભર્યુ હસ્યા. બાપ માટે ખાલી એકવાર ખાલી આવવું પડ્યું એમાં તો દીકરાને દોડાદોડી લાગે છે.! ક્યાં અલોપ થઇ ગયો? કયાં વરાળ બનીને ઊડી ગયો બાપ-દીકરાનો સંબંધ?
* * * * * *
“મૂકી દીધો ને?” દિનકરરાયની પાછળ જ ઉભેલા કુસુમબહેને જરી કટાક્ષથી અને જરી ખટાશથી પૂછયું.
‘હા’ ‘ના’ ‘હા’ અસમંજસ પણે માથું ધૂણાવતા દિનકરરાયને વ્યર્થ ડોકુ ધૂણાવતા જોતાં જોતાં કુસુમબેને એકદમ સ્પષ્ટ રીતે કહી દીધુંઃ “નાહકની સોનાની જાળ પાણીમાં નાખ્યા કરો છો તમે..! તમે હવે સમજી જાવ કે, એને આપણી સાથે કોઇ નિસ્બત જ રહી નથી પછી શું છે!
“બાપુ છું ને એટલે….” દિનકરરાયનો ડૂમો તૂટી ગયો અને કીચુડ કીચુડ રડી પડ્યા!
આંસુ તો છેક આંખોના ઊંડાણેથી નવાણ જેમ ફૂટીને છેક પાંપણને પાર કરીને ગાલ સુધી રેલાઈ આવ્યા!. અને હૈયામાં તો સૂનામી ફૂંકાઇ રહ્યું હતું.!!
કુસુમબેન નજીક આવીને પતિનો હાથ, પોતાના હાથમાં લઇને પંપાળી રહ્યાઃ “સમજુ છું, ખૂબ ઊંડાણથી સમજુ છું- તમારા દિલને! અગિયાર વરસનો થયો ત્યાં સુધી તમે એને ખંધોલે ચડાવીને હિંચકા ખવડાવ્યા છે. તમે ઘોડો ઘોડો થતા અને તમારી પીઠ ઉપર ચડીને બેસતો, ત્યારે એ આઠ વરસથી નાનો નહોતો !! એ એસ.એસ.સી.માં હતો અને એ રાત્રે વાંચવા બેસતો ત્યારે તમે પણ આખી આખી રાત ઉજાગરા ખેંચ્યા છે અને એને એન્જિનીયરનું ભણાવવા તમે તમારો નોકરીમાં કેટલો ઓવરટાઇમ ખેંચ્યો છે એ મારા જેટલું તો કોણ જાણતું હોય? એને એમ.બી.એ. કરવું હતું ત્યારે તમે તમારું એકમાત્ર ઘરેણુંઃ વીંટી; એ વીંટીને વેચી આવ્યા હતા અને આઠ હજાર એની એડમિશન ફીના ભર્યા હતાઃ એ હું ભુલી નથી ગઇ, પણ એ નક્કી ભૂલી ગયો…
* * * * * *
“બાપુજી…કેમ છો?” સવારમાં હજી તો સાત વાગ્યાં હતા અને, દિનકરરાય જાગીને બહાર આંગણામાં પડેલું છાપુ લેવા નીકળ્યાં ત્યાં જ એક યુવાન દરવાજામાંથી આવીને તેના પગમાં પડયો.
‘અરે, તું કોણ છે ભાઇ?’ દિનકરરાયને ઓળખાણ ન પડી, એટલે પેલો છોકરો હસી પડ્યોઃ “બસ,
બાપુજી, છ મહિનામાં ભૂલી ગયા?”
“હા દીકરા…” કુસુમબેન પાછળ જ ઊભા રહ્યે રહ્યે બોલ્યા.ઃ ‘‘એ ભૂલી જ ગયા હોય..’’. અને પછી દીનકરરાયને ઉદ્દેશીને જરી મોટેથી કહ્યુંઃ ‘અરે, આ મણીનો દીકરો અર્જુન છે.’ ’
”અર્જુન.?’’.. દિનકરરાયે હવે ઝાંખા પાંખા સ્મરણની ઉપર બાઝેલી ધૂળની ખેંપટ ઉડાડીઃ ‘અરે, અર્જુન, તું તો મોટો થઇ ગયો..” “એમ.બી.એ. કરું છું બાપુજી, હું જયપુર છું.”
દિનકરરાય અર્જુનનાં ‘એમ.બી.એ. કરું છું…” શબ્દો ઉપર સજ્જડ થઇ ગયા. કુસુમબહેનને ખ્યાલ આવી ગયો કે ગાડી અવળા ટ્રેક ઉપર ચડી ગઇ છે એટલે દિનકરરાયને એણે સમજાવટ અને માર્ગદર્શનનાં સૂરે કહ્યું “અર્જુન દીવાળીની રજાઓમાં આવ્યો છે, છ મહિને તમારી પાસે પહેલીવાર આવ્યો છે, એને લક્ષ્મીજી રૂપી પ્રસાદ તો આપો”
“અરે હા..હા..’’…કફનીનાં ખિસ્સામાંથી દસ દસની નવી કડકડતી નોટોનું બંડલ દિનકરરાયે બહાર કાઢ્યું અને એમાંથી દસ દસની દસ નોટ અને એક રૂપિયાનો સિક્કો કાઢીને અર્જુનને આપ્યાઃ ‘લે બેટા..’
‘ના બાપુજી… હું તો ફકત તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.’..જયપુરથી રાત્રે બે વાગ્યે આવ્યો. અત્યારે જાગીને તૈયાર થયો, તે પહેલા જ થયું કે સૌથી પહેલા બાપુજીને મળતો આવું અને આશીર્વાદ લેતો આવું…” એમ કરતા ફરી ફરીને ઝૂકયો.
દિનકરરાય ભારે હૈયે તેને તાકી રહ્યા. હૈયે ભાર, આંખોમાં ભીનાશ!
* * * * * *
બપોરે મણી કચરા-પોતા કરીને કુસુમબહેનને કહેતી હતીઃ ‘વેકેશન પડી ગયું છે. છોકરાવ ભેગા થયા છે માંડ બિચારા…આજ હું હવે નીકળુ છું કાલે સવારે આવીશ..”
સુમન અને દિનકર તેની આંખોમાં તાકી રહ્યાં. દીવાળીનાં તહેવારોનો ઉજાસ, ઉત્સાહ તેનાં તનના સમગ્ર રોમે-રોમમાંથી પ્રગટતો હતો. છોકરાઓ ભેગા થવાની અને છોકરાવને તેના ભેગા રહેવાની તત્પરતા અછાની રહી નહોતી.!
મણી જતી રહી અને ઘરમાં ખાલીપો ફરી વળ્યો. આ બાજુ ડો.ગર્ગનાં મકાનમાંથી હસી-ખુશીનાં અવાજો આવી રહ્યાં હતા. સામે પંજવાણીના બન્ને છોકરાઓ પરિવાર સાથે આવી ગયા હતા. તો, ડાબી તરફ પ્રો.પંડ્યાના આજના ખડખડાટ હાસ્યનો અવાજ હવામાંથી તરી આવતો હતો.
આમને સામને રહેલા બધા જ ઘરમાં દીવા પ્રગટી ચૂક્યા હતા.
‘દીવા નથી મૂકવા?’ “તેણે પત્નીને કહ્યું પણ આ જ કદાચ પત્નીના ઓરતા ભાંગી પડયા હતા. હૈયે લાગી રહેલા વારંવારના ઘાવ આજે નિંગળતા હતા.!! એ કશું બોલી નહી. નિશ્વાસ નાખીને ચાલતી થઇ ગઇ. દિનકરરાયના હૈયે દર્દ છલકાઈ ઉઠ્યું અને આંખોમાં ભીનાશ!!
* * * * * *
રાત્રે જમીને એ હીંચકા ઉપર. બેઠાં કે મણીનાં ત્રણેય છોકરાવ.: અર્જુન, ગૌરી અને ભાવેશ આવી પહોંચ્યાઃ “..બાપુજીઇઇ.. ” કરતા ત્રણેય પગે પડ્યા.
‘અરે..અરે…અરે..’ દિનકરરાય ત્રણેયને તાકી રહ્યાં. ત્રણેયે નવા નવા કપડા પહેર્યા હતા.
‘અરે અર્જુન..’ દિનકરરાયને યાદ આવ્યું,ઃ “તારી મમ્મીને મેં હજાર રૂપિયા ફટાકડા લેવા માટે જ આપ્યા છે, તમે ફટાકડા નથી લીધા કે શું હજી સુધી?”
“એ બધું પછી બાપુજી,… પહેલા એ બતાવો કે દીવડા કયાં મૂકયાં છે? એક આપણું ઘર છે, જયાં દીવડા પ્રગટયાં નથી.”
“હા બાપુજી… ચાલો ચાલો… કયાં મૂક્યા છે? અમને પ્લીઝ, મદદ કરો…”. નાનો ભાવેશ તો કુસુમનો હાથ પકડી બહાર જ લઇ આવ્યોઃ “ચાલો..ચાલો.. પહેલા દીવા મૂકીએ, પછી રંગોળી કરીએ અને પછી ફટાકડા ફોડીએ..” “યસ્સસસ..” અર્જુન અને ગૌરીએ ચીચીયારી અને તાળી પાડીને વાતને વધાવી જ લીધી.
આ બન્ને વૃધ્ધોનાં હૈયામાં ઉત્સાહનો થોડો થોડો સંચાર થઇ રહ્યો. પછી તો દીવડાય સુમન-દિનકરે જ પ્રગટાવ્યા અને દિવેલ પણ એમણે જ પૂર્યું. ‘અરે, તમે પેલી સિરીઝ લઇ આવ્યા છોને? કુસુમ પણ ઉત્સાહિત સ્વરે પૂછતી હતીઃ “ક્યાં મૂકી છે એ?”
“એ તો હમણાં હું લઇ આવું છું કુસુમબા…” અર્જુન ઠેકડો મારીને અંદર ગયો જાણે દીકરાનો દીકરો મોટો થઇને પોતાનાં ઘરમાં દોડીને આવ-જા કરી રહ્યો હોય એમ જ…
દિનકરરાય બડી પ્રસન્નતાથી ત્રણેય ભાઇ બહેનને તાકી રહ્યા નહીતર મણી ક્યાં પોતાની દીકરી છે? પણ દીકરી કરતાંય સવાઇ રીતે રહે છે. કુસુમ કહે છે કે પેલો તો પરદેશનાં પાટીયે જઇને બેઠો છે, એક આ દીકરી છે આપણે જેના સગા મા-બાપ નથી છતાંય સગી કરતાય વિશેષ બનીને આપણું ધ્યાન રાખે છે…- ત્રણેય જણાએ ઘડીની વારમાં રોશનીથી એવું ઘર ઝળહળાવી દીધું કે પંડ્યાની પુત્રવધૂઓને “કુસુમવિલા” જોવા આવવું પડ્યું…
રાત્રે મોડી રાત સુધી રંગોળી ચાલી..’ એલા છોકરાવ, તમારે ઘરે નથી જવું?’ દિનકરરાય પૂછતા હતા તો અર્જુને કહી દીધુંઃ “બાપુજીનું ઘર એ અમારૂં જ ઘર કહેવાયને? અને જુઓ બાપુજી…હું તો એક જોડી નવાં કપડા પણ લઇ આવ્યો છું હું તો અહિં જ સૂઇ જઇશ..હં કે..”
* * * * * *
બેસતા વર્ષની વહેલી સવારે નહાઇ પરવારીને એ ભગવાનના રૂમમાંથી પૂજા કરીને બહાર નીકળ્યા, ત્યારે નવાં વસ્ત્રોમાં સજ્જ અર્જુન રૂમની બહાર જ ઉભો હતો. દિનકરરાય જેવા બહાર નીકળ્યા કે એ પગમાં પડી ગયોઃ “બાપુજી, એવા આશીર્વાદ આપો કે અમને જન્મો-જનમ તમારા જેવા બાપુજી જ મળે…”
દિનકરરાયનાં આંખમાંથી ટપ ટપ ટપ… કરતા આંસુ નીકળી ગયા. દિવાળીનો તહેવાર હોવા છતાં, એક બાપને બે દિવસ પૂરતોય મળવા આવી ન શકનાર દીકરાનાં વ્હાલ માટે વલખા મારતું બાપનું હૈયું રડી પડ્યું. પૂજાની થાળી એક કોર મૂકીને એ અર્જુનને ભેટી પડતા રડી પડ્યાઃ “એમ નહીં બેટા, પણ ઉલટાનાં ભગવાનને એટલી પ્રાર્થના કરુ છું કે તમ જેવા દીકરા મળજો અમને…”
હૈયું ખાલી થતું ગયું એમ એમ કુસુમે મુકેલા દીવડા વધુને વધુ ઝળહળ…..ઝળહળ … થતા ગયા…!!









































