કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં હુર્રિયતના બે જૂથો – ‘જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ’ અને ‘ડેમોક્રેટિક પોલિટિકલ મૂવમેન્ટ’ – એ અલગતાવાદ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તેમણે કહ્યું કે હું આનું સ્વાગત કરું છું. કાશ્મીરમાં અલગતાવાદ હવે ઇતિહાસ બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની એકીકરણ નીતિઓએ જમ્મુ અને કાશ્મીરમાંથી અલગતાવાદને દૂર કરી દીધો છે.
અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે કાશ્મીરમાં અલગતાવાદ ઇતિહાસ બની ગયો છે. મોદી સરકારની એકીકરણ નીતિઓએ જમ્મુ અને કાશ્મીરમાંથી અલગતાવાદનો અંત લાવ્યો છે. હુર્રિયત સાથે જાડાયેલા બે સંગઠનોએ અલગતાવાદ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. હું ભારતની એકતાને મજબૂત બનાવવા તરફના આ પગલાનું સ્વાગત કરું છું અને આવા તમામ જૂથોને આગળ આવવા અને હંમેશા માટે અલગતાવાદનો અંત લાવવા વિનંતી કરું છું. આ પ્રધાનમંત્રી મોદીના વિકસિત, શાંતિપૂર્ણ અને અખંડ ભારત બનાવવાના સ્વપ્ન માટે એક મોટી જીત છે.
હુર્રિયત સાથે સંકળાયેલા બે જૂથો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલાતા રાજકીય પરિદ્રશ્યનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સરકારે અલગતાવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે ઘણા કડક પગલાં લીધાં છે, જેમાં આતંકવાદ વિરોધી કાયદાઓનો કડક અમલ અને સામાજિક-આર્થિક સુધારાઓનો સમાવેશ થાય છે.
અધિકારીઓ માને છે કે આ વિકાસ જમ્મુ અને કાશ્મીરના રાજકીય પરિદૃશ્યમાં નોંધપાત્ર પરિવર્તનનો સંકેત આપે છે, જે વધુ એકીકરણ અને શાંતિનો માર્ગ મોકળો કરશે. સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને નાબૂદ કરવા માટે સતત પગલાં લઈ રહી છે. ખીણમાં આતંકવાદ સામે કડક કાર્યવાહીને કારણે ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
સરકાર જમ્મુ અને કાશ્મીરને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણપણે આતંકવાદ મુક્ત બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કર્યા પછી, હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં એક ચૂંટાયેલી સરકાર પણ છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી છે. કલમ ૩૭૦ હટાવ્યા પછી આ પહેલી ચૂંટાયેલી સરકાર છે.