હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામ ૮ ઓક્ટોબરે જાહેર થશે. તે પહેલા એક્ઝીટ પોલ જાહેર કરવામાં આવ્યો છે અને અંદાજિત પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં જણાઈ રહ્યું છે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષો ચૂંટણી પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે મતગણતરી બાદ સંભવિત સમીકરણોને લઈને પણ મંથન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે.
ભાજપે હરિયાણામાં સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી છે. પાર્ટીએ એવો પણ સંકેત આપ્યો છે કે જો બહુમતી નહીં મળે તો સરકાર બનાવવા માટે અન્ય પક્ષો સાથે વાતચીતના વિકલ્પો ખુલ્લા છે આઇએનએલડી અને જેજેપી જેવી પાર્ટીઓનું સમર્થન લેવાના સવાલ પર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે અમારી પાસે સરકાર બનાવવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. અમે બહુમતી સાથે સરકાર બનાવી રહ્યા છીએ, પરંતુ અન્ય પક્ષો સાથે વાતચીતના વિકલ્પો પણ ખુલ્લા છે.
હરિયાણા ભાજપના પ્રમુખ મોહન લાલ બડોલીએ પણ કહ્યું કે એક્ઝીટ પોલે કોંગ્રેસને ખુશીનો દિવસ આપ્યો છે. સર્વે કરનાર અને કોંગ્રેસ બંનેને અભિનંદન. ૨૦૨૪માં પણ ભાજપ ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. જો ભાજપને પૂર્ણ બહુમતી ન મળે તો અપક્ષો અને પ્રાદેશિક પક્ષોનો વિકલ્પ પણ ખુલ્લો છે. બીજી તરફ ઈન્ડિયન નેશનલ લોકદળ એટલે કે આઈએનએલડીએ પણ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. જો કે, ભાજપ કે કોંગ્રેસને સમર્થન આપવાના મુદ્દે તેમણે કહ્યું કે, ચૂંટણી પછી કેવા સંજાગો હશે તે સમય જ નક્કી કરશે, પરંતુ ચૌધરી દેવીલાલની નીતિઓમાં વ્યક્ત કરાયેલા વિશ્વાસ મુજબ નિર્ણય લેવામાં આવશે.
એક્સિસ-માય ઇન્ડિયાના એક્ઝીટ પોલ મુજબ હરિયાણાની ૯૦ વિધાનસભા બેઠકોમાંથી ભાજપ ૨૩, કોંગ્રેસ ૫૯, INLD ૨ અને અન્ય ઉમેદવારો ૬ બેઠકો જીતી શકે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ૯૦ બેઠકો પર કુલ ૧,૦૩૧ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાં ૧૦૧ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉમેદવારોમાં ૪૬૪ અપક્ષ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ, આપ આઇએનએલડી બસપા ગઠબંધન અને જેજેપી એએસપી ગઠબંધન વચ્ચે છે.