પાકનું મહત્વઃ સીતાફળ પાનખર પ્રકારનો સુકા અને અર્ધસુકા વિસ્તાર માટેનો ખૂબ જ અગત્યનો પાક છે. આ પાક ખડતલ પ્રકારનો, ખારી-ભાસ્મીક કે ક્ષારવાળી જમીન તેમજ દૂષ્કાળ સહન કરી શકતો પાક છે આમ આ પાક બધા જ પ્રકારની જમીન તેમજ ભીન્ન પ્રકારના વાતારણમાં અનુકૂળ છે. આ પાક ફેબુઆરી-માર્ચ દરમ્યાન તમામ પાંદડા ખેરવી નાખી આરામમાં જાય છે અને તેથી જ તે સુકા અને અર્ધસુકા વિસ્તાર માટે વધુ અનુકૂળ છે.
સીતાફળનું મૂળ વતન અમેરિકા માનવામાં આવે છે. ભારતના પ્રાચીન સાહિત્યમાં પણ સીતાફળનાં પ્રમાણો જાવા મળે છે. પુરાણી શિલ્પ કળાઓ તથા ચિત્રોમાં સીતાફળ દર્શાવાયેલા જાવા મળે છે. આ પાકનું વનસ્પતિ નામ એનોંમાં સ્કવામોસા( Annona squamosa) છે તે એનોનેસી ( Annonaceae ) કુળની વનસ્પતિ છે. તેના પાન તથા કુણી ડાળીઓમાં એનાનોઈન નામનું કડવું રસાયણ હોય છે જેના કારણે પશુઓ તેને ખાતા નથી.
સીતાફળના પાકનું મહત્વ ખુબ જ છે. આ પાકના માવામાં ખાસ કરીને ખાંડ (૨૦-૨૫%), પ્રોટીન (૧.૫% ), ફાયબર (૬.૬% ), કેલ્શીયમ (૧૭.૬-૨૭ મિ.ગ્રા.) ફોસ્ફરસ (૧૪-૩૨ મિ.ગ્રા.), લોહ (૧.૧૪ મિ.ગ્રા.), વીટીમીન સી (૧૫-૪૪ મિ.ગ્રા.) હોય છે. આમ આ પાક ઘણા બધા પોષક તત્વો સારી એવી માત્રામાં ધરાવે છે.
સીતાફળ આરોગ્યની દ્રષ્ટિએ ઠંડક આપનાર, ઘાતુપુષ્ટિ કરનાર, વાત-પિત તથા દાહને મટાડનાર તથા માંસ અને લોહી વધારનાર છે. આ ફળનો ઉપયોગ આઈસ્કીમ બનાવવામાં પણ થાય છે. સીતાફળના બીજમાં લગભગ ૩ ટકા જેટલુ તેલ હોય છે જે જંતુધ્ન હોવાથી રંગકામ, સાબુ બનાવવા તથા અન્ય ઉપયોગમાં પણ લઈ શકાય છે સીતાફળ ખૂબ જ મીઠા, સ્વાદિષ્ટ હોય છે.
સીતાફળના ઉપયોગો
૧. સામાન્ય રીતે આ પાકના તાજા ફળોનો ખાવામાં ઉપયોગ થાય છે.
૨. આઈસ્કીમ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે.
૩. તેના પાંદડા ટેનીન તેમજ બલ્યુ અને કાળા કલરનો રંગ બનાવવામાં ઉપયોગી છે.
૪. સીતાફળના પાંદડાનો ઉકાળો કૃમિ તેમજ પાંદડામાંથી બનાવેલ પેસ્ટ ચાંદા મટાડવામાં કામ લાગે છે.
૫. કાચા ફળોમાં પણ ટેનીનની માત્રા હોય છે જેની સુકવણી કરી પાવડર બનાવવામાં આવે છે જે ડાયરીયા તેમજ ડાયસેન્ટ્રી મટાડવામાં કામ લાગે છે.
૬. સીતાફળની ડાળીઓની છાલનો ઉકાળો પણ ટોનીક તરીકે તેમજ ડાયરીયા મડાડવામાં માટે ઉપયોગી છે.
૭ પાંદડા, છાલ અને લીલા ફળનો ઉકાળો પણ બનાવવામાં આવે છે.