રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) હિન્દુઓના નહીં પણ ભાજપના હિતો સાચવે છે ?
ભારતમાં મુસ્લિમોના ધર્મસ્થાનો પરના દાવાની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આપેલા નિવેદને મોટો બખેડો ખડો કરી દીધો. મોહન ભાગવતે હિન્દુઓને મુસ્લિમ ધર્મસ્થાનોના મુદ્દા નહીં ઉઠાવવાની સલાહ આપતાં કહ્યું કે, દેશમાં દરેક મસ્જિદ નીચે મંદિર શોધવાની જરૂર નથી. હિન્દુઓએ મંદિર-મસ્જિદના મુદ્દાને બાજુ પર મૂકી દેવાની જરૂર છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી ઘણા લોકોને લાગે છે કે અયોધ્યાની બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ જેવા મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકાય છે પણ કોઈને ધાર્મિક મુદ્દા ભડકાવીને નેતા બનવાની મંજૂરી ના આપી શકાય.
ભાગવતના નિવેદને ખળભળાટ મચાવી દીધો. હિન્દુ સાધુ-સંતોએ મોહન ભાગવતને આડે હાથ લઈને હિન્દુ ધર્મસ્થાનોના મુદ્દે ચૂપ રહેવા કહી દીધું. સાધુ-સંતોના સૌથી મોટા સંગઠન મનાતા અખિલ ભારતીય સંત સમિતિ (એબીએસએસ)એ ભાગવતને તડ ને ફડ કરીને કહી દીધું કે, મંદિર-મસ્જિદ ધાર્મિક મુદ્દો છે અને આ મુદ્દે ધર્માચાર્યોનો નિર્ણય અંતિમ ગણાશે તેથી ચૂપચાપ બેસી રહો અને ગમે તેવા નિવેદનો ના આપો.
તુલસી પીઠના વડા સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે ટીકા કરી છે કે, ભાગવતની વાત સ્વીકારવી હિન્દુઓ માટે ફરજિયાત નથી કેમ કે ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા છે, હિન્દુ ધર્મના નહીં. મહારાજે તો ભાગવત પર મુસ્લિમોનું તુષ્ટીકરણ કરવાનો આક્ષેપ કરીને ત્યાં સુધી કહ્યું કે, અમારે ભાગવત કહે એ રીતે ચાલવાની જરૂર નથી પણ ભાગવતે અમે કહીએ એ રીતે ચાલવું પડે કેમ કે અમે તેમના અનુશાસક છીએ.
જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદે ભાગવતને તકસાધુ ગણાવીને કહ્યું છે કે, ભાગવત પોતાની અનુકૂળતા પ્રમાણે નિવેદનો આપે છે અને ભાજપના ઈશારે રાજકારણ રમે છે. સત્તા જોઈતી હતી ત્યારે મંદિર-મંદિર કરતા હતા પણ સત્તા મળી ગઈ પછી મસ્જિદો નીચે મંદિર નહીં શોધવાની સલાહ આપે છે. ભાજપને હિન્દુ મતોની જરૂર હતી ત્યારે ભાગવત સહિતના સંઘના નેતા મંદિરોની વાત કરતા હતા અને હવે સૂફિયાણી સલાહ આપી રહ્યા છે કે દરેક મસ્જિદની નીચે મંદિરની શોધ ના કરવી જોઈએ.
બીજા પણ ઘણા સાધુ-સંતોએ ભાગવતને ઝાટક્યા છે. તેના કારણે ભાગવત વર્સીસ ઓલનો માહોલ થઈ ગયો છે. એક સમયે સંઘના સૂરમાં સૂર મિલાવતા હિન્દુવાદી આગેવાનો સંઘની સામે નિવેદનો ફટકારી રહ્યા છે.
આ સ્થિતી કેમ સર્જાઈ ગઈ ?
સંઘે કદાચ હિન્દુઓની લાગણીને સમજવામાં થાપ ખાધી છે અથવા માની લીધું છે કે, હિન્દુઓ ઘેટાના ટોળા છે કે જેમને આપણે દોરીશું તેમ દોરવાશે.
આ સંઘનો ભ્રમ છે.

હિન્દુઓ માટે મંદિર-મસ્જિદના મુદ્દા ખાલી ધર્મસ્થાનોના મુદ્દા નથી પણ આત્મગૌરવના મુદ્દા છે.
ભારતમાં મુસ્લિમ આક્રમણખોરોએ મંદિરો તોડીને મસ્જિદો બનાવી એ ઈતિહાસ છે. ભારત પર રાજ કરનારા મુસ્લિમ શાસકોએ પણ અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી હતી એવો ઉલ્લેખ આ મુસ્લિમ શાસકોએ લખેલા કે લખાવેલા ઈતિહાસમાં જ છે. મંદિરો જ નહીં પણ બૌધ્ધ અને જૈન ધર્મનાં ધર્મસ્થાનો તોડ્‌યા હોવાના ઉલ્લેખ અને ઐતિહાસિક પુરાવા પણ ઉપલબ્ધ છે જ. આ સંજોગોમાં હિન્દુઓ ધર્મસ્થાનો પર દાવો કરે તેમાં કશું ખોટું નથી પણ મોહન ભાગવત જે સલાહ આપી રહ્યા છે તેમાં મુસ્લિમ આક્રમણખોરોએ આચરેલી જંગાલિયત અને અસભ્યતાને કશું બોલ્યા વિના સ્વીકારી લેવાની વાત છે.
આ હિન્દુઓની લાગણીનો પડઘો છે ?
ભાગવતની વાત સંઘના પોતાના ભૂતકાળના વલણથી પણ વિપરીત છે. ૧૯૮૦ના દાયકામાં સંઘ અને સંઘ પરિવારનાં હિન્દુવાદી સંગઠનોએ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવાઈ હોવાનો દાવો કરીને આંદોલન શરૂ કર્યું ત્યારે સૂત્ર હતું કે, યે તો અભી ઝાંકી હૈ, કાશી, મથુરા અભી બાકી હૈ……..
આ સૂત્ર પોકારતાં પોકારતાં ઘણા હિન્દુ યુવકો શહીદ થઈ ગયા.
સંઘના સંગઠનો અને નેતા પોતે અયોધ્યા, કાશી અને મથુરા એ ત્રણ મંદિર મુસ્લિમો પાછા આપે તો બાકીનાં ધર્મસ્થાનો જવા દઈશું એવી વાતો કરતા હતા પણ હવે સંઘ કે ભાજપ કાશી અને મથુરાની વાત જ કરતા નથી. બલ્કે એવી વાતો કરે છે કે, કાશી અને મથુરા કદી અમારા એજન્ડામાં હતા જ નહીં.
એજન્ડામાં નહોતા તો કાશી, મથુરા બાકી હૈ…..જેવા નારા કોણ લગાવડાવતું હતું ?

સંઘ વર્શિપ એક્ટ મુદ્દે પણ પલાયનવાદ બતાવી રહ્યો છે.
અયોધ્યા વિવાદ ચરમસીમા પર હતો ત્યારે કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ માટે ધ પ્લેસીસ ઓફ વર્શિપ (સ્પેશિયલ પ્રોવિઝન) એક્ટ બનાવેલો. હિન્દુઓ ત્યારે અયોધ્યા ઉપરાંત કાશી, મથુરામાં હિન્દુ ધર્મસ્થાનોને તોડીને બનાવાયેલી મસ્જિદો પોતાને પાછી મળે એ માટે દાવા કરતા હતા. ભવિષ્યમાં બીજા મુસ્લિમ ધર્મસ્થાનો પર આ પ્રકારના દાવા ના થાય એટલે ૧૯૯૧માં કેન્દ્રની નરસિંહરાવ સરકારે વર્શિપ એક્ટ બનાવીને અયોધ્યાના રામ જન્મભૂમિ સંકુલ સિવાયનાં તમામ ધર્મસ્થાનોને કાયદાકીય રક્ષણ આપી દીધું.
પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, ૧૯૯૧ હેઠળ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો ત્યારે દરેક ધર્મસ્થળ જે સ્થિતિમાં હતા, તે જ સ્થિતિમાં રાખવાની જોગવાઈ છે. તમામ ધર્મસ્થાનો માટેની આ જોગવાઈ પ્રમાણે, હિન્દુવાદીઓ હિન્દુ મંદિરો તોડીને બનાવાયેલી મસ્જિદો સહિતનાં હિન્દુ ધર્મસ્થાનો પર દાવો ના કરી શકે. મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોય કે દરગાહ પણ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ત્યાં મસ્જિદ કે દરગાહ ઉભી હોય તો પણ હિન્દુઓ તેના પર દાવો ના કરી શકે. આ મસ્જિદ કે દરગાહ ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બનાવાઈ હોય તો પણ તેના પર મુસ્લિમોનો અધિકાર થઈ ગયો, હિન્દુઓ તેના પર દાવો ના કરી શકે.
વર્શિપ એક્ટ મુસ્લિમ તુષ્ટિકરણનો નાદાર નમૂનો છે પણ દેશનો કાયદો છે તેથી આ દેશના નાગરિક તરીકે તમામ હિન્દુઓએ આ કાયદો પાળવો જ પડે. ભારતમાં હિન્દુઓની બહુમતી હોવાથી બહુમતી પ્રજા કાયદા ના પાળે તો દેશમાં કાયદાનું શાસન જ ના રહે તેથી હિન્દુઓની દેશના કાયદા અને બંધારણીય જોગવાઈઓનું જતન કરવાની સૌથી વધારે જવાબદારી છે.
હિન્દુઓ અત્યારે તેનું પાલન કરે જ છે પણ સામે ધર્મસ્થાનો પર પણ તેમનો અધિકાર છે એ જોતાં વર્શિપ એક્ટ નાબૂદ થવો જોઈએ કેમ કે હિન્દુઓના જે ધર્મસ્થાનો આક્રમણખોરોએ તોડ્‌યાં છે એ વર્શિપ એક્ટ અમલમાં હોય ત્યાં સુધી આ ધર્મસ્થાનો પાછાં મળવાના નથી.
ભૂતકાળમાં સંઘ સહિતના હિન્દુવાદી સંગઠનો અને ભાજપ પણ વર્શિપ એક્ટની ટીકા કરતા ને તેને નાબૂદ કરવાની વાતો કરતા પણ ભાજપ સત્તા આવી પછી આ વાત ભૂલી ગયો. સંઘ તો ભાજપના ઈશારે ચાલે છે તેથી એ પણ વર્શિપ એક્ટને મુદ્દે ચૂપ છે. દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે પણ ભાજપ સરકારે વર્શિપ એક્ટ નાબૂદ કરવા કશું કર્યું નથી. સંઘ આ મુદ્દે પણ ચૂપ છે તેથી સાધુ-સંતોમાં આક્રોશ પેદા થવો સ્વાભાવિક છે.
બીજાં પણ કારણો છે.
સંઘ-ભાજપ હિન્દુઓની વાતો કરે છે પણ બાંગ્લાદેશમાં થઈ રહેલા અમાનવીય અત્યાચારો મુદ્દે બંને કશું કરતા નથી. વચ્ચે વચ્ચે ભાજપ સરકાર બાંગ્લાદેશની સરકારને લઘુમતીઓની રક્ષા કરવા અપીલ કરી નાંખે છે પણ બાંગ્લાદેશ સામે કોઈ નક્કર પગલાં નથી લેતી કે બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવા કશું કરતી નથી. બાંગ્લાદેશની વાત છોડો પણ મણિપુરમાં મેઈતેઈ હિન્દુઓનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે છતાં કંઈ કરાયું નહીં.
મંદિર-મસ્જિદ વિવાદ મુદ્દે ભાગવતની સૂફિયાણી સલાહ અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો અંગે મૌન ભાજપના લાભાર્થે છે એવું પણ સાધુ-સંતોને લાગી રહ્યું છે. ભારતમાં હિન્દુ ધર્મસ્થાનો તોડીને બનાવાયેલા મુસ્લિમ ધર્મસ્થાનોનો મુદ્દો ઉઠવાથી મોદી સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભીંસમાં આવી જાય તેથી ભાગવત હિન્દુઓને મંદિર-મસ્જિદના મુદ્દા ભૂલી જવાની સલાહ આપી રહ્યા છે એવું સાધુ-સંતોને લાગે છે તેથી તેમનામાં આક્રોશ છે.
આ આક્રોશ કેટલો ટકશે એ ખબર નથી પણ હિન્દુઓએ જાગવાની જરૂર છે જ તેમાં શંકા નથી.