ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ફરી જામવાનો છે. કડી અને વિસાવદર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે આ બંને બેઠકો પર પોતાના પ્રભારીના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કડી અને વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રભારીની જાહેરાત કરવામાં આવી હતી. બંને વિધાનસભા માટે ૪-૪ પ્રભારીની જાહેરાત કરવામાં આવી છે. વિસાવદર માટે પરેશ ધાનાણી, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને પૂંજા વંશની પ્રભારી તરીકે નિમણૂંક કરાઈ છે. તો કડી માટે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને માલધારી નેતા રઘુ દેસાઈની પ્રભારી તરીકે નિમણૂંક કરાઈ છે. આ સાથે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ પ્રભારીઓ બે દિવસમાં સ્થળ પર જશે અને સ્થાનિક કાર્યકરોને મળશે. બાદ મોવડી મંડળ મુકુલ વાસનિક પરામર્શ કરશે.