રાજુલા-જાફરાબાદ તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. મહાકાય પથ્થર, કાકરી, મીઠુ સહિતના ઓવરલોડ વાહનો અવરજવર કરી રહ્યાં છે. આ સ્થિતિમાં અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ પ્રતાપભાઇ વરૂએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર દ્વારા રજૂઆત કરી છે. જેમાં જણાવેલ કે, રાજુલા-જાફરાબાદ તાલુકામાં રોડ પરથી ખુલ્લેઆમ મહાકાય પથ્થર, કાકરી, મીઠુ ભરેલા ઓવરલોડ વાહનો-ટ્રક પસાર થતાં હોય છે. ચાલકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે. જેથી અવારનવાર નિર્દોષ માણસો અકસ્માતનો ભોગ બને છે. રાજુલાના હિંડોરણા ગામ નજીકથી ઓવરલોડ વાહનો પસાર થતાં હોય છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ચર્ચા થઈ રહી છે. રાજુલા-પંથકમાં મહાકાય પથ્થરો કાઢવા સ્ટોન ક્રશર દ્વારા ભયંકર રીતે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે જેના કારણે આ વિસ્તારમાં વાતાવરણમાં ખૂબ જ પ્રદૂષણ ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. તંત્ર દ્વારા નાના માણસોને હેરાન કરવામાં આવતા હોય છે જયારે રાત-દિવસ ચાલતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી થતી નથી.