આમ તો રોડ-રસ્તા સહિતની બાબતોમાં કૌભાંડ થયું હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે રાજકોટમાં તો કૌભાંડ કરનારાઓએ હદ કરી દીધી છે. સ્મશાનના લાકડા પણ છોડ્યા નથી. સ્મશાન એક એવી જગ્યા છે કે જ્યાં ગમે તેવો વ્યકતી હોય પરંતુ એ જગ્યાએ તો સહજ રીતે માનવતા દાખવતા જ હોય છે. રાજકોટ શહેરના સ્મશાનોમાં લાકડાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થયો છે.
થોડા સમય પહેલા શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. જે સમય દરમિયાન મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા, ત્યારે આવા ધરાશાયી થયેલા વૃક્ષોને શહેરના અલગ-અલગ સ્મશાનમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ સ્મશાનોમાં ૩૨ ગાડી લાકડા મોકલવામાં આવ્યો હોવાનું મહાનગરપાલિકાના ચોપડે નોંધાયું હતું. જેમાંથી પાંચ ગાડી શહેરના બાપુનગર સ્મશાનમાં મોકલવામાં આવી હોવાનું ખુલ્યું હતું.
મનપાના વિપક્ષી નેતાએ પણ આક્ષેપ કર્યો હતો કે, બાપુનગર સ્મશાનમાં પાંચ ગાડી ભરીને લાકડા મોકલવામાં આવ્યા હતા. જાકે, સ્મશાનના સંચાલકોનું કહેવું છે કે રાંધણ છઠના તહેવાર બાદ એક પણ ગાડી બાપુનગર સ્મશાનમાં આવી નથી. જ્યારે જન્માષ્ટમી સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો અને એ જ સમયે વૃક્ષો પણ મોટી સંખ્યામાં પડ્યા હતા.
મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા સમગ્ર મામલે નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે હાલ આ મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. ગાર્ડન શાખાના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ જ આ મામલો અમારી સામે આવ્યો છે. હવે મનપા દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ગાર્ડન શાખામાંથી લાકડા લઈ જવા માટે બે અલગ-અલગ એજન્સીઓ છે. એજન્સીમાં પણ ક્યાં પ્રકારની કામગીરી કરાઇ તેની ચકાસણી હાથ ધરાશે. અધિકારીઓ દ્વારા એજન્સીના સંચાલકોની પૂછપરછ બાદ સમગ્ર હકીકત શું છે, તે બહાર આવી શકે છે.