ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગરમાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૦’નું વિમોચન કર્યું. આ અંક ગુજરાતના સમૃદ્ધ સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વારસાને પ્રકાશમાં લાવે છે. રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષે ‘ગુજરાત દીપોત્સવી અંક’ પ્રકાશિત કરવામાં આવે છે. આ વર્ષના અંકમાં ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકારોની રચનાઓ સમાવિષ્ટ છે, જેમાં ગુણવંત શાહ, વિષ્ણુ પંડ્‌યા, ડા. કુમારપાળ દેસાઈ, જોરાવરસિંહ જાદવ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ અને રાજેન્દ્ર શુક્લ જેવા નામાંકિત લેખકોનો સમાવેશ થાય છે.