દિવાળી પહેલા મહારાષ્ટ્ર સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી રહી છે. સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ૨,૦૦૦-૨,૦૦૦ રૂપિયા આપશે. આ રકમ ટૂંક સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે. સરકાર આ દિવાળી ભેટ પર કુલ ૪૦.૬૧ કરોડ રૂપિયા ખર્ચ કરશે.મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જાહેરાત કરી કે, આ દિવાળી પર રાજ્ય સરકાર સંકલિત બાળ વિકાસ સેવાઓ યોજના હેઠળ કામ કરતી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને બે હજાર રૂપિયાની ભેટ આપશે. તટકરેએ જણાવ્યું કે, આ પહેલ માટે ૪૦.૬૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, અને આ અંગે એક સરકારી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.મંત્રીએ કહ્યું કે, “આંગણવાડી કાર્યકરો અને સહાયકો બાળકોની સંભાળ, પોષણ અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની નિષ્ઠાને માન્યતા આપતા અને આ તહેવારોની સિઝન દરમિયાન તેમની ખુશી બમણી કરવા માટે રાજ્ય સરકારે આ ‘ભાઈબીજ’ની ભેટ આપવાનું નક્કી કર્યું છે.” તેમણે જણાવ્યું કે, આ રકમ ટૂંક જ સમયમાં આઇસીડીએસ કમિશનર દ્વારા લાભાર્થીઓને વિતરિત કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, આ નિર્ણયથી રાજ્યભરના હજારો આંગણવાડી કાર્યકરો અને સહાયકોના ચહેરા પર સ્મિત આવશે અને તેમની દિવાળી વધુ આનંદદાયક બનશે.