સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ, તાલુકા સંગઠન-બગસરા દ્વારા આજે ગોકુલપરા પટેલ વાડી ખાતે લેઉવા પટેલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓનો ૨૯મો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ, ઉદ્યોગ અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂર્વ સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્‌ઘાટક તરીકે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ-અમદાવાદના ટ્રસ્ટી પરસોતમભાઈ ગેવરીયા અને મહાવીર ગ્રૂપના બિલ્ડર મથુરભાઈ કોટડીયા હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા ડા. કનુભાઈ કરકરે શિક્ષણ અને સમાજની જરૂરિયાત પર સચોટ અને પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. આ સમારંભમાં ધોરણ-૫ થી અનુસ્નાતક સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હડાળાના વતની અને ગજાનન ગ્રૂપ-અમદાવાદના અગ્રણી બિલ્ડર રતિભાઈ જે. બોરડને ‘શ્રેષ્ઠ ઉદ્યોગરત્ન એવોર્ડ’ અને ખેતી તથા પશુપાલનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રમેશભાઈ ગઢીયા (સમઢીયાળા) ને ‘શ્રેષ્ઠ કિસાનરત્ન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. સમાજમાંથી નવનિયુક્ત થયેલા ૧૩ અધિકારીઓ-કર્મચારીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી પૂરી પાડવા બદલ બ્રિજેશભાઈ રાદડીયા અને વિમલભાઈ આંસોદરિયા (જે.કે. ફૂડ, ઘંટિયાણ)નું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણભાઈ આસોદરિયા અને ભાવેશભાઈ ડોબરીયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ અને સરદાર પટેલ શરાફી સહકારી મંડળી-બગસરાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.