બગસરામાં ત્રણ દિવસ પહેલા સુડાવડના કાઠી યુવકની હત્યા થયા બાદ મુખ્ય આરોપી ઝડપાઈ ગયો હતો જયારે બીજા આરોપી ફરાર હોવાથી પોલીસે બાતમીના આધારે હુલરીયાની સીમમાંથી ઝડપી પાડયો હતો. બગસરાના શાપર જવાના માર્ગ પર ત્રણ દિવસ પહેલા સુડાવડના જયદિપ જયતુભાઈ વાળા નામના યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં કાજલબેન જૈતુભાઈ વાળાએ પાદરગઢના સંજય વાળા અને જયદીપ વાંક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક હત્યાના મુખ્ય સુત્રધાર સંજય વાળાને ઝડપી પાડ્યો હતો જયારે જયદીપ વાંક નાસી છુટ્યો હતો. જયદીપ વાંકને પકડવા પોલીસે જુદી-જુદી ટીમ બનાવી હતી. આ અંગે પીઆઈ એમ.ડી. સાળુકેએ જણાવ્યું હતું કે, જયદીપ વાંક હુલરીયાની સીમમાં હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હત્યાનો મુખ્ય સુત્રધાર બે દિવસના રીમાન્ડ પર હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.