‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમરેલી જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક, સેવાકીય સહિતની સંસ્થાઓ ઉપરાંત નાગરિકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીની પહેલથી તા.૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે શરુ થયેલા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં અવિરત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. તા.૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સ્કૂલ, કોલેજો, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો, ગ્રામ પંચાયતો, વિવિધ સરકારી કચેરીઓ ઉપરાંત ખેડૂતો,નાગરિકો અને સંસ્થાઓ દ્વારા પર્યાવરણ રક્ષણ માટે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરશે. અમરેલી જિલ્લાના નાગરિકોને જિલ્લાની વિવિધ ખાતાકીય નર્સરીઓમાંથી રોપાઓ પણ પૂરા પાડવામાં આવશે. આથી વધુમાં વધુ નાગરિકોને આ રોપાઓ મેળવી વૃક્ષ વાવેતર અને ઉછેરમાં સહભાગી થવા અનુરોધ છે.