ઈડીએ છત્તીસગઢ સરકારના પૂર્વ મંત્રી અને હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય કાવસી લખમા અને તેમના પુત્રના ઘર પર દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે પૂર્વ આબકારી મંત્રી કાવાસી લખમા, તેમના પુત્ર અને કેટલાક અન્ય લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. પીટીઆઈના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કુલ સાત સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં રાયપુરમાં લખ્માનું નિવાસસ્થાન અને સુકમા જિલ્લામાં તેમના પુત્ર હરીશ લખમાનું નિવાસસ્થાન સામેલ છે. આ ઉપરાંત અન્ય કેટલાક લોકોના ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. છત્તીસગઢ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ દરોડા શહેરી સંસ્થા અને પંચાયત ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીના નેતાઓને હેરાન કરવાના બીજેપીના કાવતરાનો એક ભાગ છે. ૭૧ વર્ષીય લખ્મા કોન્ટા વિધાનસભા સીટથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અગાઉની કોંગ્રેસ સરકારમાં આબકારી મંત્રી હતા. હરીશ લખમા તેમના જિલ્લામાં પંચાયત પ્રમુખ હોવાનું કહેવાય છે.
૨૦૨૦-૨૦૨૨માં મંત્રી તરીકે કાવસી લખમાના કાર્યકાળ દરમિયાન, લખમાને દર મહિને ૨ કરોડ રૂપિયા ચૂકવવાનો આરોપ હતો, જેના સંદર્ભમાં ઈડ્ઢ તપાસ કરી રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર હેઠળ ૨૦૧૯-૨૨ ની વચ્ચે કથિત દારૂનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેણે સરકારી તિજારીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને ગેરકાયદેસર આવકથી દારૂના સિન્દીઇકેટના લાભાર્થીઓના ખિસ્સા ભર્યા હતા.
આ સમગ્ર મામલે છત્તીસગઢ કોંગ્રેસ કોમ્યુનિકેશન વિંગના પ્રમુખ સુશીલ આનંદ શુક્લાએ જણાવ્યું કે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે કારણ કે રાજ્યમાં શહેરી સંસ્થા અને પંચાયતની ચૂંટણીઓ અપેક્ષિત છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાઓને હેરાન કરવાનું ભાજપનું આ કાવતરું છે.