ધારીને તાજેતરમાં જ નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, પરંતુ ૭૨થી વધુ ગામોનું તાલુકા મથક હોવા છતાં, અહીંના સરકારી દવાખાનામાં જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગરીબ દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ દવાખાનામાં કાયમી ડોક્ટરોની નિમણૂક ન હોવાથી, બહારથી આવતા ડેપ્યુટેશનના ડોક્ટર પર નિર્ભર રહેવું પડે છે, જેઓ પણ ઘણીવાર મોડા આવતા હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી, કાયમી ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે અને ગરીબ દર્દીઓને દવાખાનાના ધક્કા ખાવા ન પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત, છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સની સુવિધાનો પણ અભાવ છે. અગાઉ બે એમ્બ્યુલન્સ ભંગાર હાલતમાં પડી રહી હતી, જો તેને સમયસર રિપેર કરવામાં આવી હોત તો આજે દર્દીઓને આટલી હાલાકી ન ભોગવવી પડત. હાલમાં, ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના આ દવાખાનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સ્થાનિક લોકો ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના નેતાઓ તેમજ આરોગ્ય મંત્રીને આ બાબતે ધ્યાન આપવા અને વર્ષો જૂના આ પ્રશ્નોનું ધારીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ઁૐઝ્ર)માં તાત્કાલિક નિરાકરણ લાવવા માંગણી કરી રહ્યા છે.