સાવરકુંડલા ખાતે ઇફકો અને એન.સી.યુ.આઇ.ના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર તથા ધારાસભ્ય મહેશભાઇ કસવાલાની ઉપસ્થિતિમાં વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. કાર્યક્રમમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવનિયુક્ત ચેરમેન રસિકભાઇ ભીંગરાડિયા અને વાઇસ ચેરમેન કાંતિભાઇ ધાંધલ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા સ્થાનિક એ.પી.એમ.સી.માં શરૂ કરવામાં આવેલી કમિશન કચેરીનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં આંબરડી મંડળીના સભાસદોને પ્રોત્સાહક યોજનાના ચેક તેમજ અવસાન પામેલા સભાસદોના વારસદારોને રૂ. ૨૫,૦૦૦ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારણભાઇ કાછડિયા, અશ્વિનભાઇ સાવલિયા, જયંતીભાઇ પાનસુરીયા સહિત વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.