હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ આગામી ૪૮ કલાક દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર એક સાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં હાલમાં ચાર સિસ્ટમ સક્રિય છે. જેમાં ગઈકાલ સુધી જે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફ સક્રિય હતો, તે આજે નિષ્ક્રિય થયો છે. તેમ છતાં આજે ગુજરાત ઉપર ચાર સિસ્ટમનો ખતરો રહેશે. જેમાં રાજ્યના ૨૦ ડિગ્રી ઉત્તરમાં શિયર ઝોન સક્રિય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.