તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદર પુર ગામે લગ્નની બાબતે પિતા સાથે બોલાચાલી થતાં પુત્રએ તેની અદાવત રાખી રાત્રિ દરમિયાન સૂતેલા પિતા પર સળિયાના ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતારતાં ઉચ્છલ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના હોલીપાડા ફળિયામાં રહેતા શિવાજી વસાવા અને તેમનો ૩૨ વર્ષીય પુત્ર હરપાલ વસાવા વચ્ચે લગ્ન કરાવવા બાબતે બોલાચાલી થઈ હતી. હરપાલ વસાવા એ તેના પિતાને ‘મારા લગ્ન કરાવવા પર કેમ ધ્યાન નથી આપતા?’ એમ કરીને બોલાચાલી કરી હતી. જેની અદાવત રાખીને પોતાના જ પુત્ર દ્વારા રાત્રિ દરમિયાન સૂતેલા પિતા પર સળિયાના ઘા ઝિંકી હુમલો કરવામાં આવ્યો હતો.
ઘટનામાં ૭૩ વર્ષીય શિવાજી વસાવા પર થયેલ હુમલામાં તેમને સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરતા આ હત્યામાં હત્યારો પુત્ર હરપાલ વસાવા ભાગી છૂટયો હતો. જોકે તાપી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં તેને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મૃતક શિવાજી વસાવા એ બે લગ્ન કર્યા હતા અને બન્ને પરિવારો એક ફળિયામાં રહેતા હતા. ત્યારે આરોપી હરપાલ વસાવા પોતાના પિતાને કહેતો કે ‘તમે મારા લગ્ન બાબતે કેમ ધ્યાન આપતાં નથી, જો મારા લગ્ન થઈ ગયા હોત તો મારા મમ્મી પણ મારા લગ્ન જોઈને જાત.’ આ વખતે શિવાજી ભાઈએ કહ્યું કે, લગ્ન પહેલાં કોઈ કામ ધંધો કર અને આપણા ખેતરમાં ડાંગર ના પાકની કાપણી કરવાની છે એ પછી તારું સાંભળીશ. આમ પિતાના મુખેથી આવા શબ્દો સાંભળી પુત્ર હરપાલ મનમાં અને મનમાં ધૂંધવાઈ ઉઠ્યો હતો.સમગ્ર ઘટના મામલે તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નર્વડે એ જણાવ્યું હતું કે, લગ્ન બાબતે બોલાચાલી થઈ તથા પિતાએ તેને હાલમાં ડાંગરનો પાક લેવા માટે સૂચના આપતા તેઓ વચ્ચે રકઝક થયેલી. જેની અદાવત રાખી આ હરપાલ ભાઈએ તેની પાસે રહેલા લોખંડના સળિયા વડે તેના પિતાને માથાના ભાગે ઇજા કરી હતી. જેમનું સારવાર દરમિયાન સુરતની એપલ હોસ્પિટલમાં અવસાન થતાં ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વ્યારા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.