શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ૧ અને ૨ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૫૬૦ જેટલા નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી મનોહરસિંહ ગોહિલ, સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખૂટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો. સિનિયર વિદ્યાર્થીઓએ મહેમાનોને સાયન્સ લેબ, અટલ ટિન્કરિંગ લેબ, VI સંચાલિત સ્માર્ટ ક્લાસ, લાઇબ્રેરી, રમત-ગમત ગ્રાઉન્ડ સહિતની અદ્યતન સુવિધાઓની મુલાકાત કરાવી હતી. મહેમાનોએ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા અને સંસ્થા મેનેજમેન્ટને પણ શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવા બદલ શુભેચ્છાઓ આપી. સ્ટેજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું અને સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલે વિદ્યાર્થીઓને મહેનત કરી આગળ વધવા અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ શાળા પસંદગી એસ.એચ. ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાન શક્તિને કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ આ બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફને શુભકામનાઓ પાઠવી હતી.