જસદણ પંથકમાં આટકોટ પાસે દિલ્હીના નિર્ભયાકાંડ જેવી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. અહીં સીમ વિસ્તારમાં ખેતમજુરી કામ કરનાર પરિવારની ૬ વર્ષની બાળકી ઉપર નરાધમે ક્રુરતાપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં સળિયા જેવું હથિયાર ઘુસાડી દેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેથી તેને સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ આ ઘટનાના પગલે નરાધમ પ્રત્યે ફિટકારની લાગણી વરસી છે. મૂળ દાહોદ પંથકના શ્રમિક પરિવારની દીકરી સાથે આ ઘટના બની હતી. જેમાં ગત તા.૪ ના પરિવાર વાડીએ કામ કરી રહ્યો હતો. ત્યારે તેમની ૬ વર્ષની દીકરી વાડી પાસે રમી રહી હતી. દરમિયાન કોઈક અજાણ્યા શખ્સે તેના પર હેવાનીયત આચરી હતી. આ માસુમ બાળકીને કણસતી હાલતમાં છોડી નરાધમ અહીંથી નાસી ગયો હતો. બાળકી આસપાસ નજરે ન પડતા પરિવારજનો તેની શોધખોળ કરતા હતા. દરમિયાન ત્યાં ખેતરમાં નજીકમાંથી દીકરી લોહીલુહાણ હાલતમાં મળી આવતા પરિવારજનો ચોંકી ગયા હતા. ત્યારબાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને હાલ તેની અહીં સારવાર ચાલુ છે. પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે.










































