ભારતમાં જે કાંઈ કઠોળ પાકો વાવવામાં આવે છે તેમાં ચણાનું સ્થાન પ્રથમ છે, કારણ કે તેનો વિસ્તાર બીજા બધા જ કઠોળ પાકોના વિસ્તાર કરતા વધારે છે. ભારતમાં ચણા ૯૦ લાખ હેકટર વિસ્તારમાં વવાય છે. જે વિસ્તાર કુલ કઠોળ પાકોના વિસ્તાર (૨૫૪.૩ લાખ હેકટર)નાં આશરે ૩૫.૩૯ ટકા થવા જાય છે. વર્ષ ૨૦૦૯-૧૦ સુધી કઠોળ પાકો અને ચણાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વર્ષોવર્ષ ખાસ કોઈ નોંધપાત્ર વધારો થતો ન હતો. પરંતુ વર્ષ ૨૦૧૦-૧૧ માં રેકર્ડ બ્રેક કઠોળ પાકોનું ઉત્પાદન ૧૮૨.૪ લાખ ટન થયુ અને ઉત્પાદકતા પણ ૬૮૯ કિલો પ્રતિ હેકટરે થઈ. તેવી જ રીતે ચણાનું ઉત્પાદન અને ઉત્પાદકતા અનુક્રમે ૮૨.૫ લાખ ટન અને ૮૯૬ કિલો/ હેકટર નોંધાયેલ. ગુજરાત રાજયમાં પણ ૨.૦ લાખ હેકટરના વિસ્તારમાંથી કુલ ૨ લાખ ટન જેટલા ચણા પ્રતિ હેકટરે ૧૧૩૬ કિલોની ઉત્પાકતા સાથે પાકેલ. આમ, દેશ અને ગુજરાત ચણાના ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલ છે. હજુ પણ ખેડૂતો આધુનિક જાતો વાવી તેની ભલામણ થયેલ ખેતી પધ્ધતિ અપનાવે તો ચોક્કસ દેશ અને રાજયની ચણાની ઉત્પાદકતા વધારી ઉત્પાદનમાં સિંહફાળો આપી શકે તેમા કોઈ બેમત નથી. ચણાની સિઝન શરૂ થવામાં છે ત્યારે અપનાવવા જેવી કેટલીક વૈજ્ઞાનિક ટેકનીક તમારી સમક્ષ રજૂ કરીએ છીએ.
ષ્ ચણાની જાતોઃ
ભારતમાં ચણાના મુખ્ય બે પ્રકારો છે. કાબુલી અને દેશી. કાબુલી જાતો સફેદ રંગના મોટા દાણાવાળી હોય છે. જેને લાંબા શિયાળા અને તીવ્ર ઠંડીની જરૂર પડતી હોવાથી ગુજરાતમાં તેનું વધારે ઉત્પાદન મળતું નથી. ઉત્તર ભારતના ચણા પકવતા રાજયોમાં તે વધુ અનુકૂળ આવે છે. આપણા રાજયમાં ટૂંકો અને હળવો શિયાળો હોવાથી દેશી ચણાની જાતો અનુકૂળ રહે છે. કૃષિ યુનિવર્સિટી તરફથી દેશી ચણાની ગુજરાત માટે ત્રણ જાતો બહાર પાડવામાં આવી છે. જેની માહિતી નીચે મુજબ છે.
(૧) આઇ.સી.સી.સી.-૪: રાજ્યના ભાલ અને ઘેડ વિસ્તાર સિવાય સમગ્ર રાજ્યમાં આ જાતનું પિયત વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. ૧૧૫ થી ૧૨૦ દિવસે પાકતી આ જાત હેકટરે ૧૮૦૦ થી ૨૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. આ જાતના દાણા બદામી પીળા રંગના છે.
(૨) દાહોદ પીળા- આ જાતનું રાજ્યમાં પિયત વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકતી આ જાતનું પિયત વિસ્તારમાં હેકટરે ૧૭૦૦ થી ૧૯૦૦ કિલોગ્રામ ઉત્પાદન મળે છે. આ જાતના દાણાનો રંગ પીળો છે.
(૩) ચણા ચાફા: આ જાત રાજ્યમાં બિન પિયત ચણાનું વાવેતર કરતાં વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકતી આ જાત હેકટરે ૯૦૦ થી ૧૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. આ જાતના દાણા લાલાશ પડતા પીળા રંગના છે.
(૪)ગુજરાત ચણા-૧: આ જાત પિયત તેમજ બિનપિયત એમ બન્ને વિસ્તારો માટે ૧૯૯૭માં વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. જુની પિયત જાતો દાહોદ પીળા અને આઇ.સી.સી.સી.-૪ કરતાં ગુજરાત ચણા-૧નું ઉત્પાદન વધુ મળતું હોવાથી આ જાત ગુજરાત રાજ્યમાં ખૂબ જ લોકપ્રિય થયેલ છે. તેથી જે ખેડૂતોએ ચણાનો બીજ ઉત્પાદન કાર્યક્રમ પિયત વિસ્તારમાં લેવાનો હોય તેણે આ જાતની જ પસંદગી કરવી જાઇએ. આ જાતનું પિયત વિસ્તારમાં ૨૩૦૦ થી ૨૫૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે. જ્યારે બિન પિયત વિસ્તારમાં હેકટરે ૧૨૦૦ થી ૧૩૦૦ કિલોગ્રામ ઉત્પાદન મળે છે. ૧૦૮ થી ૧૧૦ દિવસે પાકતી આ જાતના દાણાનો રંગ બદામી છે.
(૫) ગુજરાત ચણા-૨: રાજ્યનાં ઘેડ અને ભાલ જેવા બિનપિયત વિસ્તારો માટે આ જાત ૧૯૯૮માં બહાર પાડવામાં આવેલ છે. ૯૦ થી ૯૫ દિવસોમાં પાકતી આ જાતનો દાણો ચાફા જેવા દેશી ચણા કરતાં અઢીથી ત્રણ ગણો મોટો હોવાથી તેનો બજાર ભાવ ઉંચો મળે છે. આ જાતનું બિન પિયતમાં ઉત્પાદન હેકટરે ૧૩૦૦ થી ૧૫૦૦ કિલોગ્રામ જેટલું આવે છે. આ જાત સુકારાના રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાતના દાણા લાલાશ
પડતા બદામી રંગના છે. આ જાત ભાલ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય થયેલ છે. ભાલ અને ઘેડ ઉપરાંત ગોધરા, દાહોદ, ભરૂચ, નવસારી, ખેડા અને વડોદરામાં આ જાતનું વાવેતર થવા લાગ્યું છે. આ જાતના દાણા મોટા હોવાથી બજારમાં કાચા જીંજરા તરીકે મોટી માંગ ઉભી થયેલ છે માટે રાજ્યાનાં ખેડૂતોએ આ જાતનો બીજ ઉત્પાદન કાર્યક્રમ લઇ, વઘુ આવક મેળવી શકે છે.
(૬) ગુજરાત ચણા-૩ – આ જાત ભાલ પ્રદેશનાં વલ્લભીપુર વિસ્તાર માટે બિનપિયત પરિસ્થિતિમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાત ૯૮ થી ૧૦૦ દિવસમાં પાકી જાય છે. આ જાતે ગુજરાત ચણા-૧ કરતાં ૯.૫૦ ટકા અને ગુજરાત ચણા-૨ કરતાં ૧૩ ટકા જેટલું વઘુ ઉત્પાદન આપેલ છે. આ જાતનું ઉત્પાદન ૧૫૦૦ થી ૧૬૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટરે આપે છે. આ જાતનાં દાણા મÎયમ કદનાં આકર્ષક પીળા રંગના છે. જેથી ઉપભોકતા તેને વઘુ પસંદ કરે છે અને બજાર ભાવ પણ વધુ મળે છે. તેથી ભાલ પ્રદેશનાં વલ્લભીપુર વિસ્તારનાં ખેડૂતોએ ગુજરાત ચણા-૩નો બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવો હિતાવહ છે.
(૭) ગુજરાત ચણા-૫ઃ આ જાત રાજ્યના પિયત વિસ્તાર માટે વર્ષ ૨૦૧૬માં બહાર પાડવામાં આવેલ છે. આ જાત ૧૦૦-૧૦૩ દિવસમાં પાકી જાય છે. આ જાતે (૨૫૧૦ કિલો/હે.) નિયંત્રણ જાતો જેવી કે દાહોદ પીળા (૧૯૬૭ કિલો/હે.) અને ગુજરાત ચણા-૧ (૨૨૩૬ કિલો/હે.) કરતાં અનુક્રમે ૨૭.૬૧ અને ૧૨.૨૫ ટકા વધુ દાણાનું ઉત્પાદન આપેલ છે. આ જાતના દાણા મધ્યમ કદના અને તપખીરીયા રંગના છે. આ જાત સુકારા તથા સ્ટન્ટના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
(૮) ગુજરાત જૂનાગઢ ચણા-૬ઃ આ જાત ગુજરાતના બિનપિયત વિસ્તાર માટે વર્ષ ૨૦૧૫માં બહાર પાડવામાં આવેલ છે. આ જાત ૧૧૦ થી ૧૧૨ દિવસમાં પાકી જાય છે. આ જાતે (૧૮૬૭ કિલો/ હે.) નિયંત્રણ હેઠળની જાતો જેવી કે ગુજરાત ચણા- ૧ (૧૬૪૩ કિલો/હે.), ગુજરાત ચણા-૨ (૧૫૦૦ કિલો/હે.) અને ગુજરાત જૂનાગઢ ચણા-૩ (૧૭૭૫ કિલો/હે.) કરતાં અનુક્રમે ૧૩.૬, ૨૧.૯ અને ૫.૨ % વધુ દાણાનું ઉત્પાદન આપેલ છે. આ જાતના દાણા મધ્યમ કદના અને ઘાટા કથ્થાઈ રંગના છે. આ જાત સુકારા તથા સ્ટન્ટના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
(૯) જેજી-૧૬ (સાકી-૯૫૧૬)ઃ આ દેશી પ્રકારની ચણાની જાતનું રાજયમાં પિયત વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. ૯૯ થી ૧૦૨ દિવસે પાકતી આ જાત હેકટરે ૨૨૦૦ થી ૨૩૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. આ જાતના દાણા બદામી રંગના અને ૧૦૦ દાણાનું સરેરાશ વજન ૧૮ ગ્રામ જેટલું થાય છે.
(૧૦) કાક-૨. આ કાબુલી પ્રકારની ચણાની જાતનું રાજયમાં પિયત વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. ૯૭ થી ૧૦૦ દિવસે પાકતી આ જાત હેક્ટરે ૨૦૦૦ થી ૨૧૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. આ જાતના દાણા સફેદ રંગના અને મોટા હોવાથી ૧૦૦ દાણાનું વજન ૩૪ થી ૩૬ ગ્રામ જેટલું થાય છે. ચણાનું વધુ ઉત્પાદન લેવા માટે કૃષિ યુનિવર્સિટી તરફથી ભલામણ કરવામાં આવેલ જાતો વાવવી અને સુધારેલી ખેતી
પધ્ધતિ પણ અપનાવવી જાઈએ તો હવે આપણે ચણાની ખેતી પધ્ધતિ વિષે વાત કરીએ.