(એ.આર.એલ),ભુજ,તા.૯
વાગડ વિસ્તારમાં મંદિરમાં થયેલ સામૂહિક ચોરી મામલે વધુ માહિતી સામે આવી રહી છે. જેમાં ચોરોએ ૧૧ મંદિરમાંથી ૯૭૦૦૦ની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તો પૂર્વ કચ્છ એસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સામુહિક ચોરી દરમિયાન વિવિધ મંદિરોના તાળા તોડી તેમાંથી ચાંદીના મુગટ, ચાંદીના છત્તર, સોનાનો ચાંદલો, ચાંદીની ગાય, ચાંદીનો હાર, ચાંદીના કમળનું ફૂલ, ત્રશુલ વગેરેની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ સામૂહિક ચોરીના પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ છે.બે દિવસ પહેલા કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકાના ચિત્રોડ અને જેઠાસરી ગામમાં ચોરોએ ૧૧ મંદિરમાંથી કુલ ૯૭,૦૦૦ ની માલમતાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ચિત્રોડ ગામના ચોરી બનાવ અંગે ફરિયાદી વસંત પ્રજાપતિએ ગાગોદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં ૬ નવેમ્બરના સાંજથી ૭ નવેમ્બરના સવાર દરમિયાન ચોરોએ મંદિરમાં સામૂહિક ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.ચિત્રોડ ગામના પ્રજાપતિ સમાજના ચામુંડા માતાના મંદિરના તાળા તોડી તેમાંથી ૧ ચાંદીનો મુગટ, ૧૫ ચાંદીના છત્તર સહિતની વસ્તુ મળીને કુલ ૧૭,૦૦૦ ની ચોરી કરી હતી. તો પટેલ સમાજના ઈશ્વરીય માતાજીના મંદિરમાંથી ચોરોએ ચાંદીનું નાળિયેર, ચાંદીનું છત્તર, સોનાનો ચાંદલો, સોનાનો હિરો તથા જતરારા પરિવારના બહુચરાજી માતાના મંદિરમાંથી ચાંદીનો કૂકડો, ચાંદીનો મુગટ, રામ મંદિરમાંથી ચાંદીના બે મુગટ, ચાંદીની ગાય, ચાંદીની સાંઢણી, સિદ્ધિ માતાના મંદિરમાંથી નાના ચાંદીના છત્તર, સોનાના ચાંદલા, રવેચી માતાના મંદિરમાંથી ચાંદીનો હાર, નાના-મોટા ચાંદીના કમળનું ફૂલ, ચાંદીનું ત્રશુળ, ચાંદીનો મુગટ, મોમાઈ માતાના મંદિરમાંથી ચાંદીની ૨૦ સાંઢણીની ચોરી કરવામાં આવી હતી.
જેઠાસરીવાંઢમાં રબારી સમાજના મોમાઈ માતાના મંદિરમાંથી ૧૦ જેટલા ચાંદીના છત્તર, ૪ સાંઢણી, રોકડ રકમ તથા ગોગા મહારાજના મંદિરમાંથી ૮૦૦૦ રૂપિયા રોકડા તેમજ આઈ દેવ માતાના મંદિરમાંથી ચાંદીનો ચાંદલો, ચાંદીની જીભ, ચાંદીનું નાક, ચાંદીનું છત્તર એમ મળી કુલ ૧૧ મંદિરોમાંથી ચોરોએ ૯૭,૦૦૦ રૂપિયાની કિંમતની સામૂહિક ચોરી કરી હતી.
સામુહિક ચોરીના બનાવના પગલે વાગડ વિસ્તારના ગામોમાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી. તો ૧૧ જેટલા મંદિરમાં ચોરીના બનાવ બનતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે પણ સ્થાનિકે જઈને મુલાકાત લીધી હતી અને પોલીસના સ્ટાફને ઝડપી તપાસ કરવા માટે સૂચના આપી હતી. ગાગોદર પોલીસે ચોરોને પકડી પાડવા માટે વધુ શોધખોળ હાથ ધરી છે.