માવઠાના નુકસાન સામે વળતર નહીં, દેવા માફીની માંગ
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતો અને માછીમારોને થયેલા વ્યાપક નુકસાન સામે દેવા માફીની માંગ સાથે “ખેડૂતો તથા માછીમારોના દેવા માફ” માટે ધરણાનો પ્રારંભ કર્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આ લડત ૫ નવેમ્બર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે રાજુલા અને જાફરાબાદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોની લાગણી મુજબ ‘ખેડૂતોના દેવા માફ’ માટે પ્રતીક ધરણાં યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસની મુખ્ય માંગ છે કે કમોસમી વરસાદ (માવઠા)થી અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર સહાય નહીં, પરંતુ તેમના દેવા માફ કરવામાં આવે. ધરણાં કાર્યક્રમમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સહિત વલકુભાઈ જીંજવાડિયા, અશોકભાઈ ચાવડા, સંદીપભાઈ ધાનાણી, ટીકુભાઇ વરુ, ડાંગાભાઈ હડીયા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. નેતાઓએ તેમના પ્રવચનોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા ખેડૂતો સહિત દરેક વર્ગની સાથે ઊભી છે અને તેમને ન્યાય અપાવવામાં ક્યારેય પીછેહઠ નહીં કરે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં સ્વયંભૂ આ ધરણામાં જોડાયા હતા. આ લડાઈ દ્વારા ભાજપ સરકારને જગાડવાનું અને અન્નદાતાને તેમનો હક્ક અપાવવાનું કામ કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.





































