અમરેલી જિલ્લામાં ખેડૂતો વિવિધ મુશ્કેલીઓ સામે લડી રહ્યા છે. જિલ્લામાં ખેડૂતોને ત્રણ બાજુથી માર પડ્યો છે, જેના કારણે તેમની હાલત પડ્યાં પર પાટું જેવી થઈ છે. જિલ્લામાં અતિવૃષ્ટિમાં અત્યાર સુધી સહાયના નામે મીંડું મળ્યું છે, શિયાળુ પાકના વાવેતર વખતે જ જિલ્લામાં ડીએપી ખાતરની અછત અને ફરજિયાત નેનો ખાતર લેવા ફરજ પાડવામાં આવી છે, તેમજ વેચાણ કરવા માટે મગફળી અને અન્ય પાકોને લઈ જતા ખેડૂતોને તંત્ર દ્વારા બિનજરૂરી રીતે કનડગત કરવામાં આવે છે.
નવરાત્રી આસપાસ પડેલા કમોસમી વરસાદથી અમરેલી જિલ્લામાં ખેતી પાકને મોટા પાયે નુકસાન થયું હતું. અનેક ગામડાઓમાં ખેડૂતોનો મગફળી, તલનો તૈયાર પાક પાણીમાં પલળી ગયો હતો. જિલ્લામાં માવઠાથી વ્યાપક નુકસાન થયું હતું. સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં અમરેલી જિલ્લાની બાદબાકી કરવામાં આવી હતી. ખેડૂતોના નામે રાજકારણ કરતાં કે ટીવી પડદા પર આવીને રાડો પાડતાં અમરેલી જિલ્લાના નેતાઓ હજુ સુધી આ મુદ્દે ખુલીને ખેડૂતોના સમર્થનમાં આવ્યા નથી. કમોસમી વરસાદથી અમરેલી જિલ્લામાં સૌથી વધારે બગસરા અને બાબરા તાલુકામાં ખેડૂતોને મોટી નુકસાની પહોંચી હતી.
હાલ જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે. આ પાકમાં ડીએપી ખાતરની જરૂર છે. પરંતુ ખાતરના અપૂરતા જથ્થાના કારણે લાઇનમાં ઉભા રહેવા છતાં ખાતર મળતું નથી. ઉપરાંત જિલ્લાના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા આવતા ધરતીપુત્રોને જીએસટી વિભાગ દ્વારા હેરાન કરવામાં આવે છે. આ મુદ્દે તાજેતરમાં સાંસદ ભરતભાઈ સુતરીયાએ અધિકારીઓને ખખડાવ્યા હતા.
ડીએપી સાથે નેનો યુરિયા લેવાની પડાતી ફરજ
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી ખેડૂતોને ખાતર મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે. ડીએપી ખાતર સાથે અન્ય ખાતર પણ કેટલાંક વિતરકો પધરાવી રહ્યા છે. ડીએપી ખાતર સાથે અન્ય ખાતરની થેલી ફરજિયાત નથી, તેવો કોઈ પરિપત્ર ન હોવા છતાં ખેડૂતોએ નાછૂટકે આ ખરીદવું પડે છે. જેને લઈ સાંસદ પણ રજૂઆત કરી ચૂક્યા છે.
જિલ્લાના ખેડૂતોને સહાય નામનો લોલીપોપ
કમોસમી વરસાદથી જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું હોવા છતાં સહાયમાંથી જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો હતો. તે સમયે જુલાઈ-ઓગસ્ટમાં થયેલા માવઠાથી નુકસાનનું વળતર જાહેર કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. પરંતુ આજ દિન સુધી ઓક્ટોબરમાં થયેલા માવઠાથી નુકસાન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ધરતીપુત્રોને પડતી મુશ્કેલીની રજૂઆત કરવામાં જિલ્લાના નેતાઓ ઉણા ઉતર્યા