૧૪ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ દર્શકોનું મનોરંજન કરી રહી છે. શનિવારે સીરિયલના ૩૫૦૦ એપિસોડ પૂરા થતાં સેટ પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. શોના કલાકારો અને મેકર્સે પણ આટલા વર્ષો સુધી પ્રેમ આપવા બદલ દર્શકોનો આભાર માન્યો હતો. શોમાં ભીડેનો રોલ કરતાં એક્ટર મંદાર ચાંદવડકરએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ખાસ વિડીયો શેર કરીને દર્શકોના પ્રેમને આશીર્વાદ ગણાવ્યા હતા. શનિવારે મંદારે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે પોતાના ઘરમાં ટીવી પાસે ઊભેલો જાવા મળે છે. શોના મેકર્સે શનિવારના એપિસોડના અંતે ૩૫૦૦મા એપિસોડ માટે સેલિબ્રેશનનો સ્પેશિયલ વીડિયો બતાવ્યો હતો. ટીવીમાં તે વિડીયો ચાલતો હતો એની સાથે મંદાર પણ આભાર માની રહ્યો હતો. જે બાદ મંદારે ફેન્સ માટે એક સ્પેશિયલ મેસેજ રેકોર્ડ કર્યો હતો. મંદાર વિડીયોમાં કહે છે કે, ‘જ્યારે પણ અમે અમારા ફેન્સને મળીએ છીએ ત્યારે તેઓ કહે છે કે, તમારો શો ખૂબ સારો લાગે છે અને આ ક્યારેય બંધ ના થવો જાઈએ. આ જ સૌથી મોટા આશીર્વાદ છે અને તેના લીધે જ અમે આજે આ મુકામ સુધી પહોંચી શક્યા છીએ. ૩૫૦૦ એપિસોડ અને ૧૪ વર્ષ પૂરા થયા છે. મિત્રો, તમને વિશ્વાસ નહીં થાય કે, મારું ઈસ્ત્રી , કરિયાણાનું બિલ પણ ભીડેના નામથી આવે છે. આજકાલ બધી સોસાયટીના સેક્રેટરીને લોકો ભીડેના નામે ઓળખે છે. આ બધો જ ચમત્કાર તમારા કારણે થયો છે. હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે તમે જે સાત-સહકાર આપ્યો છે તે આમ જ આપતા રહો.’ મંદારે આ પોસ્ટ શેર કરતાં લખ્યું, “અઢળક પ્રેમ અને કૃતજ્ઞતા. ભીડેની દીકરી સોનુનો રોલ કરતી એક્ટ્રેસ પલક સિદ્ધવાનીએ પણ સેટ પર ૩૫૦૦ એપિસોડ માટે કરવામાં આવેલી ડેકોકેશનની તસવીરો શેર કરી છે. સાથે જ ટપ્પુ સેનાના તેના કો-એક્ટર્સ અને શોની બાકીની ટીમ સાથેનો ફોટો શેર કર્યો છે. સેલિબ્રેશન માટે લાવવામાં આવેલી કેકની ઝલક પણ પલકે બતાવી હતી. પલકે આ તસવીરો શેર કરતાં લખ્યું, “આઈકોનિક શોનો ભાગ બનીને પોતાને નસીબદાર માનું છું.