ધો.10-12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પરીક્ષા માટે ઝડપી વાંચન ખૂબ જરુરી છે. ઓછા સમયમાં બધાં વિષયોને પહોંચી વળવા કે તમામ વિષયોને સરખો ન્યાય આપવા માટે ઝડપી વાંચન ખૂબ જરુરી છે.
ધો.10-12 કે કોઇ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઝડપી વાંચનકળા ઘણી ફાયદાકારક નિવડે છે. તો આવો જાણો એ ઝડપી વાંચનકળાને અને અપનાવો એ કળાને જેથી જીવનમાં ક્યાંક ને કોઇ પણ પ્રકારે તે ઉપયોગી નીવડી શકે.
(1) તમારી આંખ એકસાથે જેટલા વધારે શબ્દો જોઇ શકશે તેટલી વાંચનની ઝડપ વધશે. આવી ટેવ પાડવા માટે નિયમિત પ્રયાસ કરવો જરુરી છે. આ ક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે તમે નાના બાળકને વાંચતાં સાંભળો, તેને સમજીને પછી તમારી વાંચવાની ટેવ સાથે સરખાવો. નાનું બાળક શરુઆતમાં આખો શબ્દ વાંચી શકતું નથી. તે કકડે કકડે વાંચે છે. દા.ત.- શરદ શબ્દ મોટેથી વાંચતી વખતે તે બોલશે..શને કંઇ નહીં શ, રને કંઇ નહીં ર, દને કંઇ નહીં દ…શ ર દ. આ રીતે બાળકને વાંચતાં આવડી ગયા પછી તે શરદ શબ્દ આખો વાંચે છે. તમે વાંચતી વખતે આવા શબ્દને વાંચીને તેનો અર્થ ઝડપથી કરીને આગળ વધો છો. જેમ જેમ આખો શબ્દ એકસાથે વાંચવાની શક્તિ પ્રાપ્ત કરી તેમ પ્રયત્નપૂર્વક ધ્યાનનો વિસ્તાર વધારીને બે શબ્દો સાથે વાંચવાની આવડત અને શક્તિ કેળવી શકશો. આમ, ત્રણ શબ્દો અને અંતે આખું ને આખું વાક્ય પ્રયાસ કરીને વાંચતાં અને તેનો અર્થ કરતાં પણ શીખી શકશો. એક દ્રષ્ટિ નાખીને આખું વાક્ય વાંચતાં આગળ વધવાથી વાંચનની ઝડપ વધે છે. અત્યંત ઝડપથી વાંચનારા આખા ફકરા પર નજર મારીને તેનો અર્થ સમજી શકે છે. આવી શક્તિ સ્વામી વિવેકાનંદમાં હતી. એ શક્તિને લીધે તેઓ કલાકના ચારસોથી વધારે પાના વાંચી શકતા હોવાનું મનાય છે.
(2) જો હોઠ ફફડાવીને વાંચવાની ટેવ હોય તો તેને સત્વરે દૂર કરવી જરુરી છે., કેમ કે, હોઠ ફફડાવીને વાંચનાર ઝડપી વાચક બની શકતા નથી. હોઠ ફફડાવીને વાંચવાથી વાંચનની ઝડપ એક મિનિટમાં બોલાતાં શબ્દો જેટલી જ મર્યાદિત થઇ જાય છે. આ મુદ્દાને સ્પષ્ટ કરતાં હારેસ જડસન કહે છે કે, જેની ઝડપ વધારે હોય તેવા ધંધાદારી એનાઉન્સર પણ એક મિનિટના 150 કે 160 શબ્દોથી વધારે શબ્દો બોલી શકતા નથી. આપણાંમાંથી ઘણાં ખરાં તો એક મિનિટમાં 110 થી 130 શબ્દો જ બોલી શકે છે. તેથી શબ્દોનો અધૂરો ઉચ્ચાર કરીને વાંચનારા પણ એક મિનિટના 160 કે 170 શબ્દોથી વધારે વાંચી શકતા નથી.
હોઠ ફફડાવીને વાંચવાથી ઝડપ મર્યાદિત થઇ જાય છે. આ મર્યાદાને દૂર કરવા માટે તમારા હોઠની ગતિને સારી રીતે જાણી લેવી જરુરી છે. તમે વાંચન કરતી વખતે અંગૂઠાની પાસેની આંગળીને હોથ પર રાખીને વાંચો. જો વાંચતી વખતે હોઠ ફફડાવવાની ટેવ હશે તો આંગળી રાખવાથી ફફડતા હોઠથી સભાન બની શકશો. વાંચતી વખતે હોઠ ફફડાવવાની ટેવ હોય તો હોઠને દ્રઢ રીતે બીડીને વાંચો. હોઠ બંધ રાખીને આંખથી વાંચવાનો પ્રયાસ કરો, થોડાં પ્રયત્નોથી આ કુટેવ જતી રહેશે.
(3) આંગળી ફેરવીને કે મસ્તક હલાવીને વાંચવાથી ઝડપ ઓછી થાય છે. બધું લખાણ મસ્તક ફેરવીને વાંચવાથી ઘણાંને થાક પણ લાગે છે. ડાબી બાજુથી જમણી તરફ મસ્તક હલાવીને શબ્દો વાંચનાર વ્યક્તિનું માથું એક પાના દીઠ લગભગ બાવીસથી પચીસ વખત હાલે ચાલે છે. જો તે એકાદ કલાક સુધી આ રીતે વાંચન કરે તો વાંચનની ઝડપ તો ઘટે જ છે, સાથોસાથ ડોક દુખે તે અલગ..
ઉપર જણાવેલાં સૂચનોનો અમલ કરીને વાંચન કરવાથી વાંચનની ઝડપ ત્રણથી સાતગણી વધારી શકાય છે. તમે આ પ્રયાસમાં કેટલા સફળ થયા તે જાણવા માટે તેની દર સપ્તાહે ચકાસણી કરો. એક મિનિટના કેટલા શબ્દોની ઝડપ વધી તેની નોંધ નિયમિતપણે ઘડિયાળથી રાખો. તમારે કેટલી ઝડપ વધારવાની છે તેના ધ્યેયને નજર સમક્ષ રાખીને વાંચનમાં આઘળ વધો. ઝડપી વાંચનની શરુઆતમાં આંખો થોડી થાકી પણ જાય, ધ્યાન વિચલિત પણ થાય, કંટાળો પણ આવે વગેરે સ્વાભાવિકપણે બને. આ બધી મુશકેલીઓથી કંટાળીને તેને ગંભીર સ્વરુપ ગણીને તાલીમ બંધ કરવાની જરુર નથી. આવી તકલીફ વખતે થોડીવાર માટે આંખોને બંધ કરીને શારીરિક-માનસિક આરામનો અહેસાસ કરવો જરુરી છે.
(4) આંખની પશ્ચાત ગતિને અટકાવો. કેટલાક વાંચકો વારંવાર આંખને પાછી ફેરવી શું વાંચી ગયા તેનો વિચાર કરે છે. થોડાં વખત પહેલાં વાંચેલા શબ્દોને બરાબર સમજવા કે યાદ રાખવા તેઓ ફરીથી વાંચે છે. આંખ અને મનની આવી પાછી ગતિને પીછેહઠ કે પશ્ચાત ગતિ કહે છે.
વાંચતી વખતે બને તેટલાં વધારે ધ્યાનથી આગળ વધવું. પશ્ચાત ગતિનું કારણ અધૂરી સમજ કે આત્મવિશ્વાસનો અભાવ હોય છે. પોતે જે વાંચ્યું તે કદાચ બરાબર સમજ્યા નથી એવી બીક કે શંકાને લીધે વાંચવાની ક્રિયામાં પીછેહઠ થાય છે. આંખની પશ્ચાત ગતિ થાય ત્યારે તેના કારણો શોધી કાઢો અને તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરો.
(5) આંખની ગતિને અટકાવ્યા વગર સરકવા દો. આ વાતને વધારે સારી રીતે સમજીએ. બધાં વાચકોની આંખની ગતિ વાંચન દરમિયાન જુદા જુદા શબ્દોએ અટકી જતી હોય છે. આ મુદ્દાને બરાબર સમજવા આ વાક્ય વાંચો..-માલવ નામક ઘોડો દોડતો દોડતો જતો હતો, એનો ઘોડેસવાર તેની પાછળ પાછળ દોડતો હતો. આ વાક્ય વાંચતી વખતે કદાચ તમારી આંખની ગતિ આ રીતે અટકતી અટકતી આગળ વધી હશે. માલવ નામનો ઘોડો – દોડતો દોડતો – જતો હતો, – એનો ઘોડેસવાર – તેની પાછળ પાછળ – દોડતો હતો. મોટાભાગના બધા વાચકોની આંખની ગતિ વાક્યની વચ્ચે દોરેલી લીટી આગળ જ અટકે તેવો નિયમ નથી. દરેકની નજર જુદા જુદા શબ્દો આગળ અટકી શકે છે. મહત્ત્વનો મુદ્દો એ યાદ રાખવાનો છે કે, દરેક વાંચક વાંચતી વખતે આંખની ગતિને અટકાવીને અગળ વધતો હોય છે. આવી ક્રિયાથી તે મોટેભાગે સભાન હોતો નથી. ઝડપી વાંચનની સિદ્ધિ પ્રાપ્ત કરનારે અંખની ગતિને બને તેટલી વધારે અતૂટ રાખવાનો સભાન પ્રયત્ન કરવો જોઇએ. વાક્ય વાંચતી વખતે નજર થોડી થોડી વારે સ્થિર ન થઇ જાય તેનું ધ્યાન રાખવું જરુરી છે. શરુઆતમાં મુશ્કેલ લાગતી આ ક્રિયા વારંવારના પ્રયાસ પછી એકદમ સરળ બની જશે.
(6) બોલીને વાંચવાની ટેવ છોડો. હોઠ ફફડાવીને વાંચવાથી જેટલી ઝડપ ઓછી થાય છે, તેના કરતાં પણ બોલીને વાંચવાથી ઝડપ વધારે ઓછી થાય છે. બોલીને વાંચવાથી એક પછી એક શબ્દ બોલીને જ આગળ વધાય છે, પરિણામ સ્વરુપે વાંચનની ઝડપ ધણી ઘટી જવા પામે છે.
કેટલાંક વાચકો શબ્દો મોંથી બોલતાં નથી, પણ મોં બંધ રાખીને તેનો ઉચ્ચાર ગળામાં કરે છે. ગળા પર હળવેથી આંગળીઓ રાખીને વાંચવાથી આવી ટેવ રોકી શકાશે. ગળામાં બોલવાથી ગળાના સ્નાયુઓમાં હલનચલનનો અનુભવ કરી શકાય છે. ઝડપી વાંચનની તાલીમને સફળ બનાવવા માટે બોલીને વાંચવાની કે બંધ મોંએ ગળામાં ઉચ્ચાર કરીને વાંચવાની ટેવને દૂર કરવી અનિવાર્ય છે.
– ક્યારે હિતાવહ અને ક્યારે નહીં.?
ઝડપી વાંચન ક્યારે વધારે હિતાવહ હોય છે અને ક્યારે ઓછું હિતાવહ બને છે ? તે નક્કી કરવા માટે નીચેના મુદ્દા તમને ઘણાં ઉપયોગી નીવડશે.
(1) ઝડપી વાંચન જરુરી છે કે નહીં, તેનો આધાર વાચકના હેતુ અને વાંચનના પ્રકાર પર છે. દરેક વાંચકે હવે પછીના મુદ્દાઓમાં દર્શાવેલા વાંચનના પ્રકારોમાંથી પોતે કયા પ્રકારનું વાંચન કરે છે, તે હકીકતને ધ્યાનમાં રાખીને વાંચનની ઝડપ વિશે નિર્ણય કરવો જરુરી છે.
(2) માહિતી કે વિષય વસ્તુને ગ્રહણ કરવા માટે થતું વાંચન. આ પ્રકારનું વાંચન ધીમે, ધ્યાનપૂર્વક અને વારંવાર કરવાથી વધારે લાભ થાય છે.
(3) કોઇપણ પુસ્તકનો ઉપરછલ્લો અભ્યાસ કરવો હોય તો તે ઝડપથી વાંચીને થઇ શકે.
(4) પુનરાવર્ત કરવાના હેતુથી થતાં વાંચનમાં ઝડપી વાંચન ઘણું ઉપયોગી નિવડે છે.
(5) ચોક્કસ પ્રકારની માહિતી મેળવવા માટે કે કોઇ ચોક્કસ પ્રશ્નોનો જવાબ શોધવા માટે થતા વાંચનમાં ધીમેથી વાંચવું જરુરી હોય છે. ખાસ કરીને સંશોધનાત્મક અભ્યાસમાં આ પ્રકારનું વાંચન હોય છે.
(6) મનોરંજન માટે થતા વાંચનમાં ઝડપ વધારે હોય તો વાંધો નહીં. નવલકથા, નવલિકા વગેરે મનોરંજન માટે વાંચવાના હોય તો ઝડપ વધારે રાખી શકાય, પણ જો તેનો અભ્યાસ પરીક્ષાની દ્રષ્ટિએ કરવાનો હોય તો ઝડપ ઓછી કરવી જરુરી છે.
અંતે એ યાદ રાખવું જરુરી છે કે, ઝડપી વાંચન જીવનભર સમય અને શક્તિનો બચાવ કરવા માટે ઘણું જરુરી છે. અભ્યાસ, વ્યવસાય કે બીજાં કાર્યોને સફળતાથી પાર પાડવા માટે ઝડપી વાંચન ખૂબ ઉપયોગી નિવડે છે.