સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવીઝન (SIR)ના કારણે બાંગ્લાદેશીઓ ભારત છોડીને ભાગી રહ્યા છે ?
ખબર નથી પણ ભાજપ સમર્થકો એવો દાવો કરી રહ્યા છે. તેમનો દાવો છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે મતદારયાદીમાં સુધારણા માટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવીઝન (SIR) હાથ ધર્યું તેનાથી ડરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો બોટમાં બેસી બેસીને બાંગ્લાદેશ રવાના થઈ રહ્યા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ગયા અઠવાડિયે પશ્ચિમ બંગાળમાંથી લગભગ ૫૦૦ બાંગ્લાદેશીઓ ભારત છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી આપી તેના પગલે આ દાવા કરાઈ રહ્યા છે. ભાજપ સમર્થકોનો તો એવો પણ દાવો છે કે, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવીઝન (SIR) પતતાં સુધીમાં એક પણ બાંગ્લાદેશી ઘૂસણખોર ભારતમાં જોવા નહીં મળે ને જેલમાં જવાના ડરે બધા પોતાના વતનભેગા થઈ ગયા હશે.
આ દાવો હાસ્યાસ્પદ છે ને જે લોકો આવી વાતો કરે છે તેમને ભારતમાં બાંગ્લાદેશી ધૂસણખોરોની સંખ્યા કેટલી છે અને તેમની જાળ કેટલી છે તેનો અંદાજ જ નથી. બોર્ડર સિક્યુરિટી ફોર્સે આપેલી માહિતી પ્રમાણે ૫૦૦ જેટલા લોકો બાંગ્લાદેશ તરફ ભાગતા દેખાયા છે. આ માહિતી સાચી જ હશે પણ ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં આ ૫૦૦નો આંકડો તો સાવ નગણ્ય છે.
યુપીએ સરકારના શાસન વખતે રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન પ્રકાશ જયસ્વાલે ૧૪ જુલાઈ ૨૦૦૪ ના રોજ સંસદમાં સત્તાવાર નિવેદનમાં કહેલું કે, ભારતમાં ૧.૨ કરોડ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. આ પૈકી પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે ૫૭ લાખ બાંગ્લાદેશીઓ છે. કોંગ્રેસ શાસિત આસામની સરકારે આ વાતનો વિરોધ કરીને આસામમાં વધારે ઘૂસણખોરો હોવાનો દાવો કરતાં કોંગ્રેસ સરકારે આ નિવેદન પાછું ખેંચી લીધું હતું અને સ્પષ્ટતા કરેલી કે, આ આંકડો વિશ્વસનીય નથી કેમ કે બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. થોડાં વરસો પહેલાં નરેન્દ્ર મોદી સરકારના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન કિરેન રિજિજુએ દાવો કરેલો કે, ભારતમાં ૨ કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે.
રિજિજુએ પણ આંકડો તો આપ્યો પણ તેનો આધાર શું એ નહોતું કહ્યું. રિજિજુનો દાવો ભાજપના અગાઉના આંકડાથી અલગ હતો કેમ કે કેન્દ્રમાં સત્તામાં આવ્યા પહેલાં ભાજપ દાવો કરતો હતો કે, ભારતમાં ૩ કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. હવે ભાજપ ૨ કરોડ પર આવી ગયો છે.
આ બધા વિરોધાભાસી આંકડા છે પણ સત્તાવાર રીતે ૨૦૦૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં બાંગ્લાદેશથી આવેલા લગભગ ૩૦.૮૫ લાખ લોકો રહે છે. આપણે બીજા આંકડાને સાચો ના માનીએ ને આ આંકડાને જ સાચા માનીએ તો પણ ૩૧ લાખ લોકોમાં ૫૦૦નો આંકડો તો સાવ સામાન્ય લાગે એ જોતાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવીઝન (જીંઇ)ના કારણે બાંગ્લાદેશીઓ ભારત છોડીને જતા રહેશે એ વાત કહેતા ભી દીવાના ઓર સુનતા બી દીવાના જેવી લાગે છે.

ભારતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો રાજકીય મુદ્દો છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દે અત્યારે ભાજપ અને મમતા બેનરજી વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ભાજપના મતે, મોટા ભાગના બાંગ્લાદેશી ઘૂસણખોરો મુસ્લિમ છે. મમતા સરકારે તેમને સરહદી વિસ્તારોમાં વસાવીને મતદારો બનાવી દીધા છે. આ બધા મમતાને મત આપે છે તેથી મમતા ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરોને ભારતમાંથી કાઢી મૂકવા સામે હોહા કર્યા કરે છે. સામે મમતાનું કહેવું છે કે, ભાજપ બાંગ્લાદેશીઓના બહાને મુસ્લિમ મતદારોનાં નામ કાઢી નાખવા માગે છે કે જેથી બંગાળમાં સત્તા કબજે કરી શકાય પણ તૃણમૂલ કોંગ્રેસ ભાજપના બદઈરાદાને સફળ નહીં થવા દે.
મમતા અને ભાજપ બંને રાજકીય ફાયદા માટે બધી વાતો કરે છે પણ બાંગ્લાદેશીઓને કાઢવાની વાત તો છોડો પણ તેમની સંખ્યા કેટલી એ જાણવા માટે પણ કશું કરાતું નથી. ભાજપ અને મમતા બંને એક સમયે બાંગ્લાદેશીઓને તગેડી મૂકવાની વાતો કરતાં પણ સત્તા મળતાં જ બંને સાવ બદલાઈ ગયા છે.
કોંગ્રેસ સરકારના શાસનમાં ૧૯૮૫માં આસામના આંદોલનનો અંત લાવવા વિદ્યાર્થી નેતાઓ સાથે કરાર થયા ત્યારે વડાપ્રધાન રાજીવ ગાંધીએ બાંગ્લાદેશી ધૂસણખોરોને તેમના દેશમાં પાછા મોકલવાની વાત સૈધ્ધાંતિક રીતે સ્વીકારી હતી. કોંગ્રેસે મતબેંકની લાલચમાં કશું ના કર્યું તેથી ભાજપ આ મુદ્દાને ઉઠાવતો રહ્યો પણ ભાજપે પણ કશું નથી કર્યું.

મમતા એક જમાનામાં બાંગ્લાદેશીઓની વિરૂધ્ધ હતા.
મમતા બેનરજી ભાજપ સાથે હતાં ત્યારે પશ્ચિમ બંગાળ અને આસામમાં ઘૂસેલા બાંગ્લાદેશીઓને ગાળો દેતા હતા. બાંગ્લાદેશીઓ બાંગ્લાભાષીઓના અધિકારો છિનવે છે એવો આક્ષેપ કરીને તેમને લાત મારીને તગેડી મૂકવા જોઈએ એવું કહેતા હતા. મમતાને બાંગ્લાદેશીઓ સામે વિરોધ હતો કેમ કે બંગાળમાં ડાબેરીઓનું રાજ હતું ને સેક્યુલારિઝમના નામે ડાબેરીઓ બાંગ્લાદેશીઓને પંપાળતા એટલે બાંગ્લદેશીઓના મત ડાબેરીઓને મળતા હતા તેથી
બાંગ્લાદેશીઓ મમતા દીદીને દેશ માટે બોજરૂપ લાગતા હતા.
મમતાએ ૨૦૦૫માં બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલે લોકસભામાં મોટો ભવાડો કરેલો. મનમોહનસિંહની સરકાર ત્યારે ડાબેરીઓના ટેકે ટકેલી ને મમતા ભાજપની સાથે હતા. મમતાએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભરપેટ ગાળો આપીને કહેલું કે, બંગાળમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી દેશ માટે ખતરનાક હોનારત બની ગઈ છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો ડાબેરીઓની મતબેંક હોવાથી બંગાળમાં રાજ કરનારા લોકો તેમને થાબડે છે.
આ મમતાએ પહેલાં સભામોકૂફીની દરખાસ્ત મૂકેલી પણ એ મંજૂર ના થતાં ચર્ચાની માગણી કરેલી. લોકસભાના સ્પીકર તરીકે ડાબેરી સોમનાથ ચેટરજી હતા. તેમણે સભામોકૂફીની દરખાસ્ત ફગાવી દેતાં મમતાએ લોકસભામાં તાકીદની ચર્ચા હાથ ધરવા માગ કરી હતી.
સ્પીકર સોમનાથદાની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર ચરણજીતસિંહ અટવાલ લોકસભાની કામગીરીનું સંચાલન કરતા હતા. મમતાએ નોટિસ વિના સીધી ચર્ચાની માગણી કરી હતી તેથી ચટવાલે આ માગ ના સ્વીકારી. મમતા ઘરેથી બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દે નોંધના બે સેટ લઈને આવેલા. એક સેટ ચટવાલને આપ્યો પણ ચટવાલે એ જોયા વિના પાછો મોકલતાં મમતા ભડકી ગયા. મમતાએ લોકસભાની વેલમાં પહોંચીને બૂમબરાડા પાડ્‌યા ને પછી રડવા માંડ્યા. ચટવાલ પર અસર ના થઈ એટલે મમતાએ કાગળો ફાડીને ટુકડા ચટવાલ પર ફેંક્યા.
મમતાના નાટકે આખી લોકસભાને સ્તબ્ધ કરી નાખેલી કેમ કે સ્પીકરની ખુરશીમાં બેઠેલી વ્યક્તિને કોઈએ નિશાન બનાવી હોય એવું પહેલી વાર બનેલું.
મમતા પછી પગ પછાડતાં ને બૂમબરાડા પાડતાં પાડતાં નીકળી ગયેલા અને બહાર નીકળીને તાબડતોબ લોકસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દીધેલું. મમતાએ આક્ષેપ કરેલો કે, લોકસભામાં લોકોના પ્રશ્નોની વાતો જ થતી નથી ત્યારે તેના સભ્યપદે રહેવાનો અર્થ નથી.
મમતાએ યોગ્ય રીતે રાજીનામું નહોતું આપ્યું તેથી સોમનાથ ચેટરજીએ આ રાજીનામું ફગાવી દીધેલું. ચેટરજીના કારણે મમતાનું સભ્યપદ બચી ગયું પણ મમતાનું પ્રકરણ લોકસભાના ઈતિહાસના સૌથી કલંકિત પ્રકરણોમાં એક બનીને રહી ગયું.
મમતા બે દાયકામાં બદલાઈ ગયા છે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત જ નથી કરતા. ભાજપ પણ બાંગ્લાદેશીઓના મુદ્દે પાણીમાં બેઠો છે. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપે વચન આપેલું કે, કેન્દ્રમાં સત્તા મળશે તો બાંગ્લાદેશી ઘૂસણખોરોને તગેડી મૂકીશું પણ ભાજપે સત્તા મળ્યાના ૧૧ વર્ષ પછી પણ કશું કર્યું નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે ભાજપે કહેલું કે, આ દેશમાં જામી પડેલા કરોડો ઘૂસણખોરો ઉધઈ જેવા છે કે જે આપણાં દેશનાં ગરીબો માટેનું અનાજ ખાઈ જાય છે ને આપણી નોકરીઓ લઈ જાય છે. આપણા દેશમાં બાંગ્લાદેશીઓ બોમ્બ ધડાકા કરાવે છે અને આપણા સેંકડો લોકોનો ભોગ લઈ ચૂક્યા છે. અમિત શાહે તો રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને આ ઘૂસણખોરોના સમર્થક ગણાવીને એલાન કર્યું હતું કે, આ બધા ઘૂસણખોરોને તગેડવા અમને ફરી સત્તા આપો. ૨૦૧૯માં કેન્દ્રમાં ફરી અમારી સરકાર આવશે તો ભાજપ આ ઘૂસણખોરોને શોધી કાઢવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડશે. અમે એક-એક ઘૂસણખોરને શોધી શોધીને દેશ બહાર તગેડી મૂકીશું. ભાજપે આસામમાં જ એક કરોડ કરતાં વધારે બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાનો દાવો કરેલો. આ વાતને છ વર્ષ થયા પણ ભાજપ સરકારે કશું ના કર્યું. હવે બંગાળમાં આવતા વરસે વિધાનસભાની ચૂંટણી છે તેથી ભાજપ ફરી આ મુદ્દાને ચગાવશે એ નક્કી છે પણ માત્ર મુદ્દા ચગાવવાથી ઘૂસણખોરોની સમસ્યા હલ નથી થવાની.
sanjogpurti@gmail.com