બાબરા તાલુકાના લોનકોટડા ગામના ખેડૂત મનસુખભાઈ વલ્લભભાઈ ધાનાણીને પોતાની મિની ઓઈલ મિલ માટે વીજ કનેક્શન મેળવવામાં છેલ્લા છ મહિનાથી PGVCLના અધિકારીઓની બેદરકારીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતે છ મહિના પહેલાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે PGVCLની વાસાવડ સબડિવિઝન કચેરીમાં અરજી કરી હતી. તેમણે ઓનલાઈન અને ત્યારબાદ ઓફલાઈન એમ બે વખત કોટેશન ભર્યા હતા. તેમ છતાં, સમય જતાં જ્યારે ખેડૂતે મીટર માટે માંગણી કરી ત્યારે બોર્ડના અધિકારી ચૌધરી અને રાજકોટ એસી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, હજુ ત્રીજું કોટેશન ભરવું પડશે, ત્યારબાદ જ મીટર મૂકવામાં આવશે. ખેડૂત મનસુખભાઈએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, અધિકારીઓની અણઆવડતના કારણે છ મહિનાથી વીજ કનેક્શન ન મળતાં તેમને મુશ્કેલી પડી રહી છે.